ઝાલોદ,
ઝાલોદ તાલુકા ના ધારા ડૂંગર ગામે જિલ્લાનો સૌથી પહેલો અર્થન એટલે કે સંપૂર્ણ માટીથી ચેકડેમ બનવવામાં આવ્યો છે. આ ચેકડેમ ની ખાસિયત એ છે કે આ ચેકડેમ બનાવવા માં કોઈ પણ પ્રકાર ના માલસામાન કે લોખંડ સિમેન્ટ નો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
કોરોના કાળ માં લાગેલા લોક ડાઉન માં જ્યારે સ્થાનિક મજૂરો ને રોજગારી નો પ્રશ્ન ઉદભવ્યો અને માલ સામાન લાવવા લઈ જવા માટે ની સમસ્યા સર્જાઈ ત્યારે, તાલુકા પંચાયત ઝાલોદ ના ટીડીઓ દિલીપભાઈ પટેલ, નરેગા ના કર્મીઓ તથા ગામ ના સરપંચ મકનભાઈ વહોનીયા ને આ ડેમ અંગેનો વિચાર આવ્યો.
જેમાં સ્થાનિકો ને રોજગારી ઉપરાંત ગામ ના લોકો માટે જળ સંચય અને સંગ્રહ નો પણ એક વિકલ્પ વધે તેમ હોઈ સરપંચ ની કોઠાસૂઝ અને તાલુકા પંચાયત ના અધિકારી કર્મચારીઓ ના માર્ગદર્શન થી સમગ્ર દાહોદ જિલ્લાનો સૌ પ્રથમ અર્થન ચેક ડેમ અસ્તિત્વ માં આવ્યો.
સમગ્ર માટીથી બનેલા આ ચેકડેમ માં પિચિંગ માં જ પત્થરો નો ઉપયોગ કરવામાં આવ્યો છે. અન્યથા જે તે સ્થળ પર થી મળેલી કાળી માટી ને ખોદી અને આ ડેમ બનાવવા માં આવ્યો છે. આશરે ૧૫૦ જેટલા સ્થાનિક મજૂરો દ્વારા ૮ સપ્તાહ સુધી ખડેપગે કામ કરી અને આ ચેકડેમ બનાવવા માં આવ્યો છે. જેમાં કુલ ૪.૭૫ લાખ જેટલી રકમ ખર્ચવામાં આવી છે.
જેનો લાભ ધારા ડુંગર ગામ ના ડામોર તથા નીસરતા ફળિયા ના કુલ ૧૦૦૦ થી પણ વધુ ખેડૂતો ને મળનાર છે.આજે જ્યારે આટ આટલી સાધન સામગ્રી અને મેન પાવર વાપર્યા પછી પણ જિલ્લા માં ચેક ડેમ માં કરોડો નો ખર્ચ કર્યા પછી પણ જ્યારે એક પણ ચેકડેમ સલામત મળી રહે તેવી સ્થિતિ નથી ત્યારે માત્ર માટી થી અને સંપૂર્ણ પણે માનવ બળ થી બનેલો આ ચેકડેમ આટલા બધા વરસાદ બાદ પણ હાલ અડીખમ છે. જે ઈમાનદારી ઉપરાંત કોઠાસૂઝ નો સમન્વય જ ગણી શકાય.