- મતદાન જાગૃતિને લગતા વિવિધ સૂત્રોને મહેંદીની ભાતમાં આકાર આપી આપ્યો મતદાનનો સંદેશ
દાહોદ, લોકસભા સામાન્ય ચૂંટણી – 2024 ને કેન્દ્રમાં રાખીને જીલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેના નેતૃત્વ હેઠળ તેમજ નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી હેતલ વસૈયાના માર્ગદર્શનમાં દાહોદમાં અનેક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.
દાહોદમાં જીલ્લા સેવા સદન ખાતે આઈ. ટી. આઈ. દાહોદ ની તાલીમાર્થી બહેનો દ્વારા મતદારો મતદાનની કિંમત સમજે અને તમામ મતદારો મતદાન કરવા પ્રેરિત થાય એ હેતુથી મહેંદી મૂકી મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વાર – તહેવારે બહેનો હાથમાં મહેંદી લગાવતી હોય છે પરંતુ આ વખતે તો મતદાન જાગૃતિ માટે મહેંદી મુકવામાં આવી હતી. દરેક બહેનોના હાથમાં મતદાન જાગૃતિ અંગેના વિવિધ સંદેશાની મહેંદી મુકવામાં આવી હતી.
મહેંદી કાર્યક્રમ અંતર્ગત મહિલાઓએ અવસર લોકશાહીનો, ચૂંટણીનું પર્વ, દેશનું ગર્વ, મારો મત-મારો અધિકાર, હું છું મતદાર જેવા મતદાનનું મહત્વ ઉજાગર કરતા વિવિધ સૂત્રો મહેંદીની ભાતમાં લખાવ્યા હતા. દરેક બહેનોના હાથમાં મતદાનરૂપી મહેંદીની મહેક પ્રસરતી હતી.
મહેંદી થકી મતદાન જાગૃતિ આપવાના આ કાર્યક્રમ નિમિત્તે સેવા સદનની અધિકારી બહેનોએ પણ ભાગ લઇ મતદાન કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જે દરમ્યાન નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી હેતલ વસૈયાની ઉપસ્થિતિએ દરેક બહેનોનો ઉત્સાહ અનેકગણો વધારી દીધો હતો.