દાહોદ, દાહોદ શહેર સહિત જિલ્લામાં ઉત્તરાયણ પર્વની પતંગ રસીયાઓમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ વખતે પતંગ બજારમાં મંદીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ઉત્તરાયણના અઠવાડીયા પહેલાની ખરાઘીમાં પતંગ બજારના વેપારીઓમાં ચિંતાનો માહૌલ જોવા મળી રહ્યો હતો. ત્યારે ઉત્તરાયણના છેલ્લા બે દિવસમાં પતંગ બજારમાં તેજી જોવા મળતાં વેપારીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ઉત્તરાયણ પર્વની તૈયારીઓને લઈ દાહોદ શહેર સહિત જિલ્લાવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પતંગ રસીયાઓ દ્વારા પતંગ, ફીરકા વિગેરે જેવી ખરીદી માટે નીકળી ગયાં છે, પરંતુ ઉત્તરાયણના એક અઠવાડીયા પહેલા પતંગ બજારમાં ભારે મંદીનો માહૌલ જોવા મળી રહ્યો હતો. પહેલા જેવી ઉત્તરાયણની ઘરાકીમાં માહૌલ જોવા મળતો ન હોવાની વેપારીઓમાં ગણગણાટ પણ સાંભળવા મળતો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણના બે દિવસ પહેલા પતંગ બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. પતંગ બજારમાં પતંગની ખરીદી કરવા તેમજ માંજો રંગાવવા માટે લોકોની મોડી રાત્રી સમય સુધી ભીડ જોવા મળી રહી છે. ઉત્તરાયણ પર્વ નિમિત્તે લોકોએ ડી.જે. સિસ્ટમ સહિતના સાધનો પણ પોત પોતાના ધાબાઓ ઉપર ગોઠવવાની તૈયારીઓ કરી દીધી છે. છેલ્લા બે-ત્રણ દિવસની દાહોદ શહેર સહિત જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ પડતાં પતંગ રસીયાઓમાં ચિંતાનો માહૌલ જોવા મળી રહ્યો છે. ઉત્તરાયણના દિવસે હવા સારી રહેશે તેવી આશા પતંગ રસીયાઓ વ્યક્ત કરી રહ્યાં છે.