દાહોદ જીલ્લા પંચાયત કચેરી ખાતે વર્ગ-1 અને વર્ગ-2 ના ટોચના અધિકારીઓની જગ્યા લાંબા સમય થી ખાલી : દરજજા વગરના અધિકારી ખુરસી સંભાળી રહ્યા હોવાની બૂમ

  • વર્ગ-2 ના. અધિકારી વર્ગ-1 ની જગ્યા ઉપર ફરજ બજાવે તે કેટલા અંશે યોગ્ય.

દાહોદ, પ્રાપ્ત વિગતો મુજબ દાહોદ જીલ્લામાં છેલ્લા ઘણા લાંબા સમય થી વર્ગ-1 અને વર્ગ-2 ની મહત્વની ગણાતી ખુરસી ખાલી હોય જે ખુરશીમાં અન્ય અધિકારીઓને ચાર્જ આપી વહીવટી કામગીરી કરાતી હોવાનું ખાનગી સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. દાહોદ જીલ્લા પંચાયત કચેરીમાં આખા જીલ્લાનું નાણાકીય વહીવટી સંચાલન કરતી કચેરીમાં હિસાબી અધિકારી વર્ગ-1 ની જગ્યા છેલ્લા આશરે દોઢ વર્ષ થી ખાલી છે. જયારે હિસાબી અધિકારી શિક્ષણ વર્ગ-2 ની જગ્યા પણ દોઢેક વર્ષ થી ખાલી છે. જીલ્લા તિજોરી અધિકારી વર્ગ-2 ના અધિકારી હાલમાં હિસાબી અધિકારી વર્ગ-1નો ચાર્જ સંભાળી રહ્યા હોવાની જાણકારી મળી છે. જયારે આંતરિક અન્વેશણ અધિકારી વર્ગ-2 ની જગ્યા પણ છેલ્લા ત્રણ વર્ષ થી ખાલી છે, જે જગ્યા હાલમાં વર્ગ -3 ના કર્મચારી સંભાળી રહ્યા છે.

જીલ્લાની ખાસ અતિ મહત્વની શાખા જે હિસાબી શાખા કહી શકાય અને આ કચેરીમાં આખા જીલ્લાની નાણાકીય વહીવટી કામગીરી થતી હોય છે, પરંતુ ખાલી પડેલી જગ્યાના કારણે નાણાકીય હિસાબોની કામગીરી ઠપ્પ થઈ જતા ઘણીવાર કોન્ટ્રાકટરોના અને ખાનગી એજન્સીઓના બીલો લાંબા સમય માટે પેન્ડિંગ રહી જતા હોય છે. જેને કારણ કોન્ટ્રાકટરો અને એજન્સી સંચાલકોને નાણાકીય આર્થિક કટોકટી ભોગવવું પડતું હોય છે. બિન સત્તાવાર રીતે મળતી માહિતી મુજબ આંતરિક અન્વેશણના નામે જીલ્લામાં થતા કરોડો રૂપિયાના કામો માટે તાલુકા પંચાયતમાં પડતા ખર્ચા તેમજ તમામ ગ્રામપંચાયત પર પડતા ખર્ચના પ્રિઓડિટના નામે સરપંચો, તલાટીઓ અને ખાનગી એજન્સીવાળાઓ પાસેથી મોટી રકમની પણ વસુલાત થતી હોવાનું જાણવા મળ્યું છે. જયારે પ્રિ ઓડિટના બીલો ક્રોન્ટ્રાકટરો અને એજન્સી વાળાઓ પાસેથી અમુક વચેટિયાઓ દ્વારા ટેબલ નીચે ના વહેવારો કરવાથી તરતજ રેકોર્ડ વગર પ્રિઓડિટ થઈ જતું હોવાનું પણ જાણવા મળેલ છે અને જે બીલોમાં સરકારી રાહે આવતા બીલો જેવા કે પગાર, કન્ટિઝન્સી, ઉચ્ચતર તફાવત, જીપીએફ ઉપાડ, રજા રૂપાંતર, આઉટ સોર્સ કર્મચારીના પગાર, આવા અનેક બીલોમાં કંઈક ને કંઈક ભુલ કાઢી બે-ત્રણ માસનો સમય કાઢી નાખવામાં આવે છે. મળતા ખાનગી અહેવાલો મુજબ આઉટસોર્સ કર્મચારીઓને છેલ્લા બે મહિનાનો પગાર ખાનગી એજન્સીએ કરી દીધેલ છે, પણ એજન્સીને નાણાં હજુ ચૂકવાયેલ નથી.

રાજ્ય માંથી જીલ્લા પંચાયતમાં વહીવટ સુધારવાં માટે હિસાબનીશ વર્ગના સિનિયર અધિકારીને જીલ્લામાં મુકવામાં આવેલ છે છતાંય પણ તેઓને હિસાબી કચેરીની નિગરાણી હેઠળ જુના કર્મચારીની સલાહ થી સાઈડ પોસ્ટિંગ આપી દેવાતું હોય છે જેથી તેઓ આખો દિવસ બેસી રહી સમય પસાર કરતા હોય છે. એવી પણ ચર્ચા થાય છે કે, એક કર્મચારીએ મહેકમ સાથે ચેડાં કરીને ડિવિઝનલ હિસાબનીશનું પ્રમોશન મેળવેલ છે પણ પ્રમોશન લીધા પછી જીલ્લા નાયબ હિસાબનીશની હિસાબી શાખામાં ઊંચી કેડરનો જીલ્લાનો હવાલો, પ્રિઓડિટ કામગીરી તેમજ ઓડિટ પેરાના જવાબો કરવાનું કામમાં મોટો ભ્રસ્ટાચાર આચરાતો હોવાનું પણ કચેરી બહાર ચર્ચાઈ રહ્યું છે. અમુક કર્મચારી દાહોદ જીલ્લા માંથી બદલી અન્ય જીલ્લામાં થયા પછી પણ હજુ ફરીથી દાહોદ જીલ્લામાં ફરીથી એજ ટેબલ ઉપર આવવા માટે ક્યાંક મોટા માથાઓને ભલામણ પણ કરી રહેલ છે.

જયારે હિસાબી શાખાના એક ક્લાર્ક છેલ્લા પાંચ વર્ષ થી એકજ જગ્યાએ કોઈ ઉપરી અધિકારીના ચાર હાથ હોવાના કારણે હાલ સુધી ફરજ બજાવી રહેલ છે. સરકારના ઉચ્ચ અધિકારીઓએ દાહોદ જીલ્લામાં મહત્વની ગણાતી કચેરીઓમાં ખાલી પડેલી જગ્યાઓ તાકીદે ભરવામાં આવે અને સોપાયેલ ચાર્જ અધિકારીઓને મૂળ જગ્યા એ મુકાય તે જરૂરી બન્યું છે.