દાહોદ જિલ્લાની દેવગઢબારીયા પાલિકાની સરકારી જમીનમાં ગેરકાયદેસર બનેલા શોપિંગ સેન્ટર માટે થયેલી લેન્ડ ગ્રેલિંગ અરજીની જિલ્લા કમિટીમાં થયો ફેસલો

  • લેન્ડ ગ્રેલિંગ કમિટીનો દબાણ દુર કરવા પ્રાંત અધિકારી ને હુકમ માં અહેવાલ મોકલવા થયું ફરમાન.

દાહોદ, દેવગઢબારીયા નગરપાલિકાના સર્વે નં 2058 વાળી સરકારી પડતર જમીનમાં ચાર વર્ષ પહેલા ચાર જેટલાં ઈસમોએ ભેગા મળી કોઇપણ પ્રકારની બાંધકામ પરમિશન વગર 64 જેટલી દુકાનોનું ગેરકાયદેસર રીતે પાકું બાંધકામ કરી દુકાનોની ખોટી આકારણી કરી વિજ મીટર પણ બેસાડી દીધા હોવાનું બહાર આવ્યું હતું. જે અંગે દેવગઢબારીયા નગરના જાગૃત નાગરિક સંજય જવાહર પરમારે આરટીઆઈ કરી તમામ વિગતો ભેગી કરી ગાંધીનગર સરકાર સહિત નામદાર હાઇકોર્ટ અમદાવાદ ના દ્વાર ખખડાવ્યા હતા.

આ ગેરકાયદેસર રીતે બનેલા શોપિંગ સેન્ટરનું આખરે દેવગઢબારીયાના પ્રાંત અધિકારીએ ઉપરી અધિકારીઓના હુકમનું પાલન કરી સીલ મારી દીધું હતું. જે પછી સંજય પરમાર ગેરકાયદેસર રીતે બનેલા આ શોપિંગ સેન્ટરના તમામ પુરાવા ભેગા કરી શોપિંગ સેન્ટર જમીનદોસ્ત થાય તે માટે પ્રાંત કચેરી દેવગઢબારીયા ખાતે ભૂતકાળ માં ભૂખ હડતાલ ઉપર ઉતરી જતા છેવટે જવાબદાર તંત્ર એ શોપિંગ સેન્ટર ચોક્કસ તોડવામાં આવશે તેવી હૈયાધારણા આપી હતી. અને ઉપવાસ આંદોલન સમેટી લેવાયું હતું. પોતાને ચોક્કસ નિર્ણય નહીં મળતા છેવટે નામદાર હાઇકોર્ટ ઑફ ગુજરાતમાં પણ પોતે અરજદાર બની આ ગેરકાયદેસર શોપિંગ તોડવા માટે પીઆઇએલ દાખલ કરી હોવાનું ખાનગી સૂત્રો જણાવી રહ્યા છે. આ મામલો હાલ હાઇકોર્ટ માં છેલ્લા ત્રણેક વર્ષ થી ચાલી રહ્યો છે.

છતાંય પણ ન્યાય માટે સંજય પરમારે ગેરકાયદેસર બનેલ શોપિંગ સેન્ટર ના બિલ્ડરો વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ અરજી જિલ્લામાં દાખલ કરી હતી. જેમાં જિલ્લા કમિટી એ દેવગઢબારીયાના પ્રાંત અધિકારીને આ સરકારી જમીનમાં થયેલા ગેરકાયદેસર થયેલા બાંધકામ અંગે હાલમાં કોર્ટ માં મામલો છે કે કેમ તે તપાસી જરૂરી અહેવાલ દાહોદ જિલ્લા કલેકટર કચેરી ખાતે મોકલી. આપવા તા.7/7/2023 ના રોજ હુકમ કર્યો હતો. પરંતુ આ હુકમમાં શોપિંગ સેન્ટર તોડી નાખવા અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. નામદાર હાઇકોર્ટ દ્વારા કોઈ મનાઈ હુકમ પણ ફરમાવેલ ન હોવાથી સદર દબાણ દૂર કરવા અંગેની નિયમોનુંસારની કાર્યવાહી કરી અહેવાલ મોકલી આપવા દેવગઢબારીયા પ્રાંત અધિકારીને તારીખ 7-7-2023ના રોજ જિલ્લા લેન્ડ અત્રેની કચેરીએ મોકલવા હુકમ કરાયો હોવાની માહિતી મળી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દેવગઢબારીયા નગરમાં નગરપાલિકાની સરકારી જમીનમાં ગેરકાયદેસર થયેલા બાંધકામ મુદ્દે આ શોપિંગ હવે ખરેખર તુટસે કે કેમ તે ચર્ચા નગર માં થઈ રહી છે.