દાહોદ જીલ્લાની 6 વિધાનસભા બેઠકો ઉપર કેસરીયો લહેરાયો

દાહોદ,

આશરે 20 વર્ષ પછી દાહોદ જિલ્લામાં કેસરીયો માહોલ છવાઈ જવા પામ્યો છે. જિલ્લાની 06 એ 06 બેઠકો ભાજપે મેળવીને રાજકીય મેદાનમાં સીક્સર મારી સૌને સ્તબ્ધ કરી દીધાં છે. આજે સવારે હાથ ધરાયેલ મતગણતરીમાં જેમ જેમ 06 એ 06 વિધાનસભાની મતગણતરીના રાઉન્ડ પુરા થતાં હતા. તેમ તેમ મતગણતરી સ્થળ નજીક જેતે વિધાનસભાના ટેકેદારો અને જેતે વિધાનસભામાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, ઝાલોદ અને લીમખેડામાં પ્રથમ રાઉન્ડમાં આમ આદમી પાર્ટી આગળ રહેતાં ભાજપ બેડામાં સ્તબ્ધતા છવાઈ જવા પામી હતી. તો લીમખેડામાં પણ પ્રથમ રાઉન્ડના અંતે આમ આદમી પાર્ટી આગળ રહી હતી. ત્યાર પછી તમામ સીટો ઉપર ધીમે ધીમે ભાજપે પોતાની લીડ વધારી અને તમામ બેઠકો હસ્તગત કરી હતી. દાહોદ જિલ્લાનું રાજકારણનું એપી સેન્ટર ગણાતું લીમખેડા બેઠક ઉપર ખુબજ પાતળી સરસાઈથી ભાજપે વિજય મેળવતાં જિલ્લાના રાજકારણમાં ઘેરા પ્રત્યાઘાત પડવા પામ્યાં છે. તો પોતાને સિંહણ ગણાવનાર ગરબાડા કોંગ્રેસના ઉમેદવારને પણ હારનો સામનો કરવો પડ્યો હતો. મતગણતરી સ્થળે જયશ્રી રામ અને ભારત માતા કી જયના નારા સાથે હજ્જારોની સંખ્યામાં ભાજપના કાર્યકરો, સમર્થકો ઉમટી પડ્યાં હતા. ડી.જે. અને ઢોલ, નગારાના તાલે તમામ ઉમેદવારોના વિજય સરઘસો દાહોદના રાજ માર્ગો પર થઈને પોતાની જેતે વિધાનસભામાં પહોંચ્યા હતા. દાહોદ જિલ્લાની 06 બેઠકોની વાત કરીએ તો 06 બેઠકો પૈકી એકમાત્ર દાહોદને બાદ કરતાં લીમખેડા અને ગરબાડામાં કોંગ્રેસ દ્વીતીય સ્થાને રહી હતી તો ફતેપુરા અને ઝાલોદમાં તૃતીય સ્થાને રહી હતી અનેક ચઢાવ ઉતાર વચ્ચે લીમખેડાની બેઠક માટે ભારે તર્ક વિતર્કો વહેતાં થવા પામ્યાં હતા. તો ભાજપની સ્થિતી ગઢ આલા પણ સિંહ ગેલાની સ્થિતી તો નહીં સર્જાયને તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. પોસ્ટલ બેલેટમાં આમ આદમી પાર્ટી નંબર 1 રહેતાં પોસ્ટલ બેલેટના ગણિતે ઘણું બધુ કહી દીધું છે.

વિધાનસભાની ચુંટણીમાં દાહોદ જિલ્લાની 06 એ 06 વિધાનસભા બેઠક ભાજપે કબજે કરતાં દાહોદ જિલ્લામાં ભાજપે ઈતિહાસના પન્ના પર પોતાની જીત પર અંકિત કરી છે. કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયાં છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ખાસ્સો એવો પગ પેસારો દાહોદ જિલ્લામાં કર્યો હોવાનું પ્રતિત થવા પામ્યું છે. આજના પરિણામોએ આગામી 2024ની ચુંટણીમાં કોંગ્રેસ જોડોની જગ્યાએ કોંગ્રેસ શોધો યાત્રા કાઢવી પડશે તેવા હાસ્ય વેણો પણ વહેતા થવા પામ્યાં હતાં. 2002 પછી પ્રથમવાર ભાજપાએ દાહોદમાં 06 બેઠકો મેળવી ઈતિહાસ રચ્યો છે. ત્યારે હવે કોણે મંત્રી પદ મળશે અને કોણું પ્રભુત્વ દાહોદ જિલ્લામાં વધશે તેની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. તમામ ઉમેદવારોના વિજય સરઘને ઠેર ઠેર વધારવામાં આવી રહ્યું છે અને સમગ્ર જિલ્લામાં કેસરીયો માહોલ સર્જાવા પામ્યો છે.

દાહોદ વિધાનસભામાં કનૈયાલાલ કિશોરીએ 72,660 મત મેળવી 29,350 ની લીડથી ભવ્ય વિજય મેળવ્યો છે. ગરબાડા વિધાનસભા બેઠક પર મહેન્દ્રભાઈ ભાભોરએ 62,427 મત મેળવી 27,825 ની લીડ મેળવી છે. ઝાલોદમાં મહેશભાઈ ભુરીયાએ 8,2745 મત મેળવી 35,222 મતોથી લીડ મેળવી છે. ફતેપુરામાં રમેશભાઈ કટારાએ 59,581 મત મેળવી 19,531ની લીડ મળી છે. લીમખેડામાં શૈલેષભાઈ ભાભોરએ 69,417 મત મેળવી 3663ની લીડ મેળવી છે અને દેવગઢ બારીઆમાં બચુભાઈ ખાબડએ 1,13,527 મતો મેળવી 44,201 ની લીડ મેળવી ભવ્ય જીત મેળવી છે. આમ, દાહોદ જિલ્લામાં 06 વિધાનસભા બેઠકો પર ભાજપે કબજો કરી ભગવો લેહરાવી દીધો છે. જિલ્લામાં તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય સરઘસ નીકળ્યું હતું. ઢોલ, નગારા, ડી.જે.ના તાલે ઉમેદવારોની જીતને કાર્યકરો તેમજ લોકોએ એકબીજાનું મોંહ મીઠું કરાવી જીતને વધાવી લીધી હતી.

-: બોક્સ :-

દાહોદ જિલ્લામાં આ વખતે નોટોમાં મતો ભારે પડ્યાં હતાં. જિલ્લાની કુલ 06 વિધાનસભાની બેઠકોમાં કુલ 23,319 મતો પડ્યાં હતાં. જેમાં ફતેપુરા વિધાનસભાની બેઠકમાં 4327, ઝાલોદમાં 4646, લીમખેડામાં 2327, દાહોદમાં 3046, ગરબાડામાં 4152 અને દેવગઢ બારીઆમાં 4821 મતો નોટામાં પડ્યાં છે. આ વખતે નોટામાં મતોની ભરમારથી વિજેતાઓની લીડમાં પણ અસર પડી હોવાનું કહેવાઈ રહ્યું છે.

-: બોક્સ :-
દાહોદ જિલ્લામાં ભાજપે 06 એ 06 વિધાનસભા બેઠકો પર કબજો કરી લીધો છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સિવાય અન્ય પાર્ટીઓના ઉમેદવારોની ડિપોઝીટ ડુલ થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે.

-: બોક્સ :-
દાહોદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના વિજયને પગલે મતગણતરી સ્થળોએથી વિજય ઉમેદવારોના વિજય સરઘસો નીકળ્યાં હતાં. વિજયોત્સવ સરઘસમાં ડી.જે., ઢોલ, નગારાના તાલે જયશ્રી રામ, ભારત માતા કી જયના નારા સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. દાહોદ વિધાનસભા બેઠકના ઉમેદવાર કનૈયાલાલ કિશોરીનો ભવ્ય વિજય ઉત્સવ સરઘસ નીકળ્યું હતું. મતગણતરી સ્થળેથી લઈ એપીએમસી ઓફિસ સુધી ભાજપના કાર્યકર્તાઓ અને સમર્થકોએ વિજયોત્સવ મનાવ્યો હતો. ફટાકડા ફોડી અને એકબીજાનું મોં મીઠું કરાવી વિજેતા કનૈયાલાલ કિશોરીને અભિનંદન પાઠવ્યાં હતાં.