દાહોદ જીલ્લાને રક્તપિત્તથી મુક્ત કરવા માટે જીલ્લા રક્તપિત કચેરી દ્વારા કરાતા સઘન પ્રયાસો હાથ ધરાશે

  • તા.10થી 29 જુન સુધી કુલ 2150 ટીમો સમગ્ર જીલ્લાના 3.93 લાખ ઘરોમાં સર્વે કરશે. જેમાં 26,52,721 વસ્તીને આવરી લેવાશે.

દાહોદ,દાહોદ જીલ્લાને રક્તપિત્તથી મુક્ત કરવા માટે Leprosy Case Detection Campaign (LCDC) ની કામગીરી તા.10થી 29 જુન 2024 સુધી જીલ્લામાં 3.93 લાખ ઘરોમાં સર્વે કરવામાં આવશે. રક્તપિત્તના સર્વે માટે જીલ્લા ટીબી વિભાગ દ્વારા કુલ 2150 ટીમો બનાવવામાં આવી છે.

લેપ્રસી LCDC કેમ્પેઈન દરમ્યાન લેપ્રસીના વધુને વધુ દર્દીઓ શોધાય તેવું આયોજન જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. જે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેમને લેપ્રસી થવાની શક્યતાઓ 6 વર્ષથી માંડી 30 વર્ષ સુધીની રહેલી છે. દાહોદ જીલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્તની બિમારીને નાબૂદ કરવા માટે જીલ્લામાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે.

રક્તપિત્ત એ માઈક્રોબેકટેરિયમ લેપ્રી નામના બેકટેરીયાથી થતો ચેપી રોગ છે. જે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેમને લેપ્રસી થવાની શક્યતાઓ 6 વર્ષથી માંડી 30 વર્ષ સુધીની રહેલી છે. રક્તપિત્તની બીમારીના લક્ષણોમાં શરીર ઉપર આછું ઝાંખું રતાશ પડતું ચાઠું કે જેમાં સંવેદનાનો અભાવ હોય, ખંજવાળ આવતી ન હોય એવું ચાઠું રક્તપિત્ત હોઇ શકે છે. હાથ-પગમાં બહેરાશ પણ જોવા મળી શકે છે.

રક્તપિત્તનું સમયસર નિદાન અને સારવાર નહી થવાથી હાથે, પગે અને ચહેરા ઉપર વિકૃતિ જેવી કે હાથની આંગળીઓ વળી જવી, પગની આંગળીઓ વળી જવી, કાંડામાંથી હાથ લળી જવો, પગની પાનીથી પગ લળી પડવો, આંખો પૂરી બંધ ન થવી વગેરે વિકૃતિ આવી શકે છે. MDT સારવારથી રક્તપિત્ત સંપૂર્ણપણે મટી શકે તે માટે વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવશે. રક્તપિત્તની એમ.ડી.ટી.સારવારથી તે ચોક્કસ સંપૂર્ણપણે મટી શકે છે. રક્તપિત્તની સારવારથી વિકૃતિ અટકાવી શકાય છે.

દાહોદ જીલ્લામાં કુલ 2150 ટીમો બનાવવામાં આવી છે. જે 3.93 લાખ ઘરોની મુલાકાત કરી રક્તપિત્તના શંકાસ્પદ વ્યક્તિઓને શોધવામાં ઝુંબેશ હાથ ધરશે. તેમાં પણ ફેકટરી વસાહતો, ઇંટોના ભઠ્ઠા, જી.આઇ.ડી.સી., હોસ્ટેલો, વૃધ્ધાશ્રમોને પણ આવરી લેવામાં આવશે. શંકાસ્પદ ચિન્હો ધરાવતી વ્યક્તિઓનું તબીબો દ્વારા ચોક્કસ નિદાન કરી જરૂરી ત્વરિત દવાઓ આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ જીલ્લા રક્તપિત અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.