
- વિવિધ પોસ્ટરો, બેનરો સાથે મહત્તમ મતદાનનો સંદેશો આપતા વિધાર્થીઓ.
દાહોદ, દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે ગુજરાત સહિત દેશમાં આદર્શ આચારસંહિતા અમલી બનેલ છે. દાહોદ જીલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર યોગેશ નિરગુડેના માર્ગદર્શન મુજબ સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.
દાહોદ ઔધોગિક તાલીમ સંસ્થા કેન્દ્ર ખાતેથી તાલીમાર્થીઓ અને ઝાલોદ રોડ કુમાર શાળાના બાળકો દ્વારા રેલીનું આયોજન કરી, વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આ રેલીમાં તમામ વિદ્યાર્થીનીઓએ મતદાન જાગૃતિ અંગેના વિવિધ બેનરો જેવા કે, ‘વોટ ફોર સ્યોર’, ‘ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ’ જેવાં વિવિધ સૂત્રો દ્વારા લોકોને માહિતગાર કર્યા હતા. કાર્યક્રમમાં સૌએ મતદાનના સંકલ્પ પણ લીધા હતા.
આ રેલીમાં મામલતદાર મનોજ મિશ્રા, ઔધોગિક તાલીમ સંસ્થા કેન્દ્ર આચાર્યો,સહિત નાયબ મામલતદારો, તેમજ ઔધોગિક તાલીમ સંસ્થા કેન્દ્રના સ્ટાફગણ, શિક્ષકઓ મતદાન જાગૃતિ કાર્યક્રમમાં જોડાયા હતા.