દાહોદ જીલ્લાના સ્વતંત્રતા સેનાનીઓના પરિવારજનોને સન્માનિત કરતાં જીલ્લા કલેક્ટર

દાહોદ,દાહોદ રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, દાહોદના સંયુક્ત ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજરોજ જીલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે દાહોદ જીલ્લાના સ્વતંત્રતા સેનાનીઓના પરિવારજનોનો જીલ્લા કલેક્ટર ડો હર્ષિત ગોસાવીના અધ્યક્ષસ્થાને તથા નિવાસી અધિક કલેકટર એ.બી.પાંડોર ની ઉપસ્થિતીમાં સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે જીલ્લા કલેક્ટર ડો હર્ષિત ગોસાવીએ સૌને પ્રેરિત કરતા જણાવ્યું હતું કે, દેશની આઝાદીમાં યોગદાન આપનાર સ્વતંત્રતા સેનાનીઓના બલીદાન અને દેશ પ્રેમની વાત તેઓના પરિવારજનોના મુખે સાંભળતા આપણા હદયમાં જુસ્સો અને જોમ વધે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આપણને મળેલ આઝાદીનું મહત્વ સમજવું જોઇએ અને આપણે પોતાના નાના મોટા કાર્યોથી દેશના વિકાસ માટે સહભાગી થવું જોઇએ એમ લાગણી વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે દાહોદ જીલ્લાના સ્વતંત્રતા સેનાનીઓ દેવગઢબારિયા તાલુકાના સ્વ. ભીખાલાલ મદનલાલ પરીખ વતી તેઓના વારસદાર રાજેન્દ્રસિંહ ભીખાલાલ પરીખ, દાહોદના સ્વ. પ્રેમચંદભાઈ સુંદરજી પ્રજાપતિના ધર્મપત્ની બેનીબેન પ્રજાપતિ, ઝાલોદ તાલુકાના સ્વ. ઉદેસિંહભાઈ લાલસિંહભાઈ મુનિયા તેઓના સુપુત્ર પર્વતભાઈ ઉદેસિંહભાઈ મુનિયા, સિંગવડ તાલુકાના સ્વ. સુરતાનભાઈ વેસતાભાઈ ડામોરના ધર્મપત્ની કતરીબેન સુરતાનભાઈ ડામોર, ઝાલોદ તાલુકાના સ્વ. સુરપાલભાઈ ગલાભાઈ મકવાણાના ધર્મપત્ની સોનાબેન સુરપાલભાઈ મકવાણા ને મોમેંટો અને અને શાલ ઓઢાડી સન્માનિત કર્યાં હતા. આ અવસરે પરિવારજનોએ આનંદ અને ગર્વની લાગણી અનુભવતા સ્વતંત્રતા સેનાની તરીકેના જીવન પ્રસંગોને અભિવ્યક્ત કર્યા હતા.

આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર એ.બી.પાંડોર, પ્રાંત યુવા વિકાસ અધિકારી જીગ્નેશ ડાભી, પ્રાંત યુવા વિકાસ અધિકારી અશોક પટેલિયા, સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.