દાહોદ જીલ્લાના ત્રણ અલગ-અલગ સ્થળેથી 1.90 લાખનો ઈંગ્લીશ દારૂ ઝડપ્યો

દાહોદ,દાહોદ જીલ્લામાં જુદી જુદી ત્રણ જગ્યાએથી પોલીસે રૂપિયા 1.90 લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂ-બીયરના જથ્થા સાથે બે ફોરવ્હીલ ગાડી ઝડપી પાડી એકની અટકાયક કર્યાનું જાણવા મળ્યું છે.

આગામી હોળીના તહેવારને ધ્યાને રાખી તથા લોકસભાની આવનાર ચુંટમીમાં વધનારી વિદેશી દારૂની માંગને પહોંચી વળવા જીલ્લાના બટલેગરો અત્યારથી જ દારૂનો સ્ટોક કરી લેવાની વેતરણમાં જોતરાયા છે. તેવા સમયે તેમના મનસુબા પર પાણી ફેરવવા દાહોદ જીલ્લા પોલીસ પણ સાબદી બની છે. તેવા સમયે વીતેલા ચોવીસ કલાકમાં પોલીસે ત્રણ જુદી જુદી જગ્યાએથી વિદેશી દારૂ પડ્યો છે. જેમાં દાહોદ તાલુકા પોલીસે ગત મધરાતે રાબડાલ ગામે ચામુંડા હોટલ સામે જરૂરી વોચ ગોઠવી ગરબાડાના ગુલબાર ગામના અર્જુનભાઈ નગરસીંગભાઈ મંડોડને શંકાસ્પદ લાગતી સિલ્વર કલરની મહિન્દ્રા એક્સયુવી ફોરવ્હીલ ગાડી સાથે પકડી પાડ્યો હતો અને ગાડીની તલાસી લઈ ગાડીમાંથી રૂપિયા 42,240ની કુલ કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ નંગ-13માં અલગ અલગ માર્કાની કુલ બોટલ નંગ-360 પકડી પાડી સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલા રૂપિયા 4 લાખની કિંમતની મહિન્દ્રા એક્સયુવી ગાડી મળી રૂપિયા 4,42,240નો મુદ્દામાલ કબજે લઈ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે પોતાને મળેલ પ્રોહી અંગેની બાતમીના આધારે ધાનપુર પોલીસે ધાનપુર તાલુકાના કાટું ગામના બુટલેગર પ્રતાપભાઈ ધનાભાઈ મોહનીયાના રહેણાંક મકાનમાં ધમધમતી વિદેશી દારૂની હાટડી પર સાંજના છ વાગ્યાના સુમારે ઓચિંતી પ્રોહી રેડ પાડી રૂપિયા 51,840ની કુલ કિંમતના બીયરના ટીન નંગ-432 પકડી પાડી કબજે લીધા હતા. જ્યારે પોલીસની રેડ સમયે બુટલેગર પ્રતાપભાઈ ધનાભાઈ મોહનીયા ઘરે હાજર ન હોવાથી પોલીસ તેને પકડી શકી ન હતી. પોલીસે આ મામલે બુટલેગર પ્રતાપભાઈ ધનાભાઈ મોહનીયા વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે ઝાલોદ પોલીસે પ્રોહી અંગેની પોતાને મળેલ બાતમીના આધારે રાત્રીના સવા અગ્યાર વાગ્યાના સુમારે ઝાલોદ તાલુકાના કલજીની સરસવાણી ગામે વરૂણદેવના ્મંદીર પાસે જરૂરી વોચ ગોઠવી હતી. તે દરમ્યાન બાતમીમાં દર્શાવેલ રાજસ્થાન પાસીંગની સફેદ કલરની ફોર વ્હીલ ગાડી રાજસ્થાન બાજુથી આવતી નજરે પડતાં પોલીસ સાબદી બની હતી અને ગાડી નજીક આવતાં જ પોલીસ તેને રોકવાની કોશીશ કરતા ગાડીના ચાલકે ગાડી ઉભી ન રાખી થોડે દુર જઈ ગાડી મૂકી ગાડીનો ચાલક અંધારાનો લાભ લઈ નાસી ગયો હતો. જે ગાડી પોલીસે પકડી પાડી ગાડીની તલાસી લઈ ગાડીમાંથી પોલીસે રૂપિયા 96,000ની કુલ કિંમતની ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની પેટી નંગ-40મા ભરેલ કુલ બોટલ નંગ-1920 પકડી પાડી સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવામાં આવેલ રૂપિયા 3 લાખની કિંમતની સ્વીફટ ગાડી મળી રૂપિયા 3,96,000નો મુદ્દામાલ કબજે લઈ સ્વીફટ ગાડીના ચાલક વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.