દાહોદ જીલ્લાના લાંચ લેતા પકડાયેલ શિક્ષણાધિકારીના કોરોના ટેસ્ટ બાદ કોર્ટમાં રિમાન્ડ માટે રજુ કરાશે

દાહોદ,દાહોદ જીલ્લા શિક્ષણાધિકારી મયુર પારેખ ગતરોજ એક લાખની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. તે પ્રકરણમાં શિક્ષણાધિકારીનો કોરોના ટેસ્ટ બાદ આવતીકાલે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવનાર છે. વધુમાં જાણવા મળ્યા અનુસાર મયુર પારેખના ગોધરા ખાતેના બે મકાનોમાં તેમજ તેઓની હસ્તક ચાલતી મેડિકલ સ્ટોરમાં એસીબી પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ કંઈ પણ શંકાસ્પદ વસ્તુ ન મળી હોવાનું સામે આવ્યું છે.

બે મહિના પૂર્વે દાહોદ જીલ્લા શિક્ષણાધિકારી કાજલબેન દવે રૂ10,000 ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા હતા. ત્યારબાદ તેઓનો ચાર્જ પ્રાથમિક શિક્ષણાધિકારી અધિકારી મયુર પારેખને સોંપવામાં આવ્યો હતો. મયુર પારેખ વિરૂદ્ધ આમેય અનેક ફરિયાદો ઉઠતી હતી. તેમજ એક શિક્ષિકા દ્વારા મયુર પારેખ વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ પણ આપી હતી. ત્યારે ગતરોજ એક શિક્ષકના બદલીના ઓર્ડર કરી આપવા માટે મયુર પારેખ દ્વારા એક લાખની લાંચ લેતા ગોધરા એસીબીના હાથે ઝડપાઈ જતા સમગ્ર દાહોદ સહિત ગુજરાતના શિક્ષણ આલમમાં સ્તબ્ધતા સાથે ચર્ચા નથી જવા પામી હતી. આજરોજ મયુર પારેખને કોરોના ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યા હતા અને આવતીકાલે એટલે કે તારીખ 9 મે નારોજ કોર્ટમાં રિમાન્ડ મેળવવા માટે હાજર કરવામાં આવનાર હોવાનું જાણવા મળી છે, તો બીજી તરફ મયુર પારેખના ગોધરા ખાતેના બે મકાનો તેમજ તેઓના હસ્તક ચાલતી મેડિકલ સ્ટોર ઉપર એસીબી પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, પરંતુ સર્ચ ઓપરેશન દરમિયાન કોઈ વાંધાજનક ચીજ વસ્તુઓ મળી આવી ન હતી.