દાહોદ જીલ્લાના રહેવાસીઓને તથા લાગતા વળગતાં તમામ લોકોને જાણ કરવામાં આવે છે કે, વૈવાહિક વિવાદોના નિરાકરણ માટે કાયમી પ્રિ- લીટિગેશન લોક અદાલતનો દાહોદ ખાતે પ્રારંભ

દાહોદ,નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદ દ્વારા મંજૂર કરાયેલા વૈવાહિક વિવાદોના નિરાકરણ માટે કાયમી પ્રિલીટીગેશન લોક અદાલતની પ્રણાલી ગુજરાત રાજ્યમાં આવેલ તમામ જીલ્લા મુખ્ય મથકે આવેલ કોર્ટોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે સ્થાપિત કરવામાં આવેલ છે. જેમાં દાહોદ જીલ્લા ખાતે આવેલ ફેમિલી કોર્ટ, જીલ્લા ન્યાયાલય કેમ્પસ માં આ સુવિધા સ્થાપિત કરવામાં આવેલ છે . જીલ્લા મુખ્ય મથકે સ્થાપિત કરવામાં આવેલ વૈવાહિક વિવાદોના નિરાકરણ માટે કાયમી પ્રિલીટીગેશન સુવિધા નું તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિ ઝાલોદ, લીમખેડા મુકામે મિડિયેશન સેન્ટરનો પ્રારંભ પણ તારીખ 19/ 4/ 2024ના રોજ નામદાર ગુજરાત હાઇકોર્ટ અમદાવાદના મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતાબેન અગ્રવાલના હસ્તે પ્રત્યક્ષ ઓનલાઇન થી કરવામાં આવેલ છે. ફેમિલી કોર્ટ, જીલ્લા અદાલત કેમ્પસ, દાહોદ ખાતે આ સુવિધા નો પ્રારંભ કાર્યક્રમ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દાહોદના ઇન્ચાર્જ ચેરમેન અને મુખ્ય જીલ્લા ન્યાયાધીશ પ્રેરણા સી. ચૌહાણ ના અધ્યક્ષ સ્થાને, સેક્રેટરી આર.એ. ઘોરી, જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દાહોદ તથા હેડ ક્વાર્ટર, દાહોદ ખાતેના તમામ ન્યાયિક અધિકારીઓ, મિડીએટર તથા કર્મચારીની ઉપસ્થિતિમાં યોજાયેલ હતો. આ સુવિધા અને કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ કુટુંબ પ્રથાને મજબૂત બનાવી સુખમય જીવન જીવવા માટે , પ્રોત્સાહિત કરવા તથા તમામ પ્રકારના વૈવાહિક વિવાદો ઉદભવતાની સાથે જ નિરાકરણ લાવવાનો છે. આ પ્રક્રિયામાં વૈવાહિક વિવાદોના નિરાકરણમાં પારંગત હોય તેવા મધ્યસ્થીની સેવાઓ આપવામાં આવશે. આ સંપૂર્ણ પ્રક્રિયા ગોપનીય, નિષ્પક્ષ, બિનખર્ચા અને ઝડપી પૂર્ણ કરવામાં આવશે જેથી સમાજના કોઈપણ કુટુંબના સભ્યો કે કોઈપણ પ્રકારના મતભેદ, વિવાદ, પડકારો કે તણાવની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોય તેમનું સુખદ સમાધાન મેળવી શકાશે.

વધુ માહિતી માટે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા અદાલત, છાપરી દાહોદનો સંપર્ક કરી શકશો.