દાહોદ,
દાહોદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ અંતર્ગત તા. 5 ડિસેમ્બર, સોમવારે મતદાન યોજાવાનું છે. ત્યારે મતદારો આ બાબતનું ખાસ ધ્યાન રાખે. મતદાનનો સમય સવારે 8.00 વાગ્યાથી સાંજના 5.00 વાગ્યા સુધીનો છે. કોઈપણ મતદાર મતદાન બુથમાં મોબાઇલ ફોન સાથે લઈ જઈ શકશે નહીં. વોટર ઇન્ફોર્મેશન સ્લીપ એટલે કે મતદાર કાપલી માત્ર મતદાન બુથની જાણકારી માટે છે, એ કાપલી મતદાન કરવા માટેના ઓળખ દસ્તાવેજ તરીકે માન્ય રહેશે નહીં.
મતદાન મથકની અંદર મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ છે, એટલે મોબાઈલ ફોનમાં સાચવેલા ઓળખ દસ્તાવેજો મતદાન મથકમાં ફરજ પર રહેલા અધિકારીઓ-કર્મચારીઓને દર્શાવવા સંભવ બની શકશે નહીં. મતદારોએ આ માટે જરૂરી ઓળખ પુરાવા પોતાની સાથે રાખવાના રહેશે.
વોટર ઇન્ફોર્મેશન સ્લીપ માત્ર બુથની જાણકારી માટે છે, મતદાન કરવા માટે માન્ય 12 પ્રકારના ઓળખ દસ્તાવેજમાંથી કોઈપણ એક સાથે રાખવાનો રહેશે. જેમાં મતદાર ફોટો ઓળખપત્ર, આધાર કાર્ડ, મનરેગા જોબકાર્ડ, પાનકાર્ડ, બેન્ક-પોસ્ટ ઓફિસની પાસબુક, શ્રમ મંત્રાલયે આપેલા હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટકાર્ડ, ડ્રાયવીંગ લાઇસન્સ, પાસપોર્ટ, કેન્દ્ર, રાજ્ય સરકાર, જાહેર ક્ષેત્ર, પ્રાઇવેટ કંપનીના ફોટોગ્રાફ સાથેના ઓળખકાર્ડ, નેશનલ પોપ્યુલેશન રાજીસ્ટર હેઠળના સ્માર્ટકાર્ડ, પેન્શન દસ્તાવેજ, સંસદ સભ્ય, ધારાસભ્યના અધિકૃત ઓળખપત્ર. મતદારો આ તમામ પુરાવાઓનો ઉપયોગ કરી શકશે.