દાહોદ જીલ્લાના કુલ 59 પરીક્ષા કેન્દ્રો ખાતે તલાટી કમ મંત્રી સંવર્ગની સ્પર્ધાત્મક લેખીત પરીક્ષા આગામી રવીવારે યોજાશે.

  • પરીક્ષા કેન્દ્રની આજુબાજુના 100 મીટરની ત્રિજયામાં ઝેરોક્ષ મશીનોના ઉપયોગ ઉપર પ્રતિબંધ.
  • વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર ખાતે મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ સહિતના ઇલેક્ટ્રોનિક સાધનો કે સાહિત્ય લઇ જઇ શકશે નહીં.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ગ્રામ પંચાયત સેક્રેટરી – તલાટી કમ મંત્રી સંવર્ગની સ્પર્ધાત્મક લેખીત પરીક્ષા આગામી તા. 7 મે રવીવાર બપોરે 12.30 થી 13.30 કલાક દરમ્યાન અત્રે જીલ્લાના કુલ 59 પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાનાર છે. આ પરીક્ષા સંદર્ભે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, દાહોદ એ.બી. પાંડોરે એક જાહેરનામા દ્વારા કેટલાંક પ્રતિબંધો મૂકયા છે.

દાહોદ જીલ્લામાં આવેલા જુદા જુદા પરીક્ષા કેન્દ્રોના વિસ્તારમાં આવેલા ઝેરોક્ષ મશીનનો થતો દુર ઉપયોગ રોકવા તા. 7-5-2023 ના રોજ સવારના 9 કલાકથી બપોરના 15 સુધી ઝેરોક્ષ મશીનો, કોપીયર મશીનનો ઉપયોગ સદંતર બંધ રાખવાના રહેશે.પરીક્ષા કેન્દ્રની આજુબાજુના 100 મીટરની ત્રિજયામાં આવેલા ઝેરોક્ષ, કોપીયર મશીનના સંચાલકોએ ઉક્ત હુકમનો અમલ કરવાનો રહશે.પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રમાં મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ, બ્લુટુથ ઇયરફોન, કેમેરા, લેપટોપ વગેરે ઇલેક્ટોનિક ગેઝેટ તેમજ પુસ્તક, અન્ય સાહિત્ય કે કોઇ પણ પ્રકારની અન્ય વસ્તુઓ ઉમેદવાર દ્વારા લઇ જવા ઉપર પ્રતિબંધ રહેશે.

પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ 100 મીટરની ત્રિજયામાં અથવા પરીક્ષાર્થીઓને ખલેલ પહોંચે તે રીતે સવારના 10 થી બપોરના 14 સુધી માઇક, ડીજે કે અન્ય કોઇ પણ વાજીત્ર વગાડી શકાશે નહી. વીજ પુરવઠો ખોરવાઇ નહીં એ માટે આ દિવસે ખોદકામ કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.