દાહોદ જિલ્લાના ખેડૂતોએ તુવેર, ચણા અને રાયડાની લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ માટે ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે

દાહોદ,

દાહોદ જિલ્લામાં ખરીફ રવિ સીઝનમાં તુવેર પાકના ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા ઇન્ડી એગ્રો ક્ધસોર્ટિયમ પ્રોડ્યુસર કંપની લી. ઇન્ડી એગ્રો તેમજ ચણા પાક માટે ગુજરાત રાજ્ય કો.ઓ. માર્કેટીગ ફેડરેશન (ગુજકોમાસોલ)નો નોડલ એજન્સી તરીકે સરકાર દ્વારા નિમણુંક કરવામાં આવી છે.

વર્ષ 2022-23 માં તુવેર અને ચણા લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી માટે તુવેરની રૂ. 6600 પ્રતિ ક્વિન્ટલ એટલે કે રૂ. 1320 પ્રતિ મણ અને ચણા રૂ. 5335 પ્રતિ ક્વિન્ટલ એટલે કે રૂ. 1067 પ્રતિ મણ લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કર્યો છે. જિલ્લામાં ખરીફ ઋતુમાં તુવેરના પાકનું કુલ 7230 હેક્ટર અને ચણા પાકનું 44698 હેક્ટરમાં વાવેતર થયું છે.

જિલ્લા ખેતીવાડી અધિકારીએ ખરીફ રવિ સિઝનમાં તાલુકા પ્રમાણે ચણા અને તુવેર પાક વાવેતરની માહિતી આપી છે. જે મુજબ, દાહોદમાં 13412 હેક્ટર ચણા પાક અને 84 હેક્ટરમાં તુવેર પાકનું વાવેતર થયું છે. વિવિધ તાલુકાઓમાં ચણા પાક અને તુવેર પાક અનુક્રમે હેક્ટર પ્રમાણે વાવેતર જોઇએ તો, દેવગઢ બારીયામાં 980 અને 1930, ધાનપુરમાં 3687 અને 1242, ફતેપુરામાં 5920 અને 1932, ગરબાડામાં 6285 અને 295, ઝાલોદમાં 9528 અને 288, લીમખેડામાં 2243 અને 834, સીંગવડમાં 996 અને 379, સંજેલીમાં 1917 અને 246 હેક્ટર વિસ્તારમાં વાવેતર કરાયું છે.

જિલ્લાના ખેડૂતોએ વર્ષ 2022-23 માં તુવેર, ચણા અને રાયડાની લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ માટે ગત તા. 1 ફેબ્રુઆરીથી આગામી તા. 28 ફેબ્રુઆરી સુધીમાં ગ્રામ્ય કક્ષાએ ઇ ગ્રામ કેન્દ્ર ખાતે વીસીઇ મારફતે નાફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. તુવેર, ચણા અને રાયડાની ખરીદીનો સમયગાળો આગામી તા. 10 માર્ચ 2023 થી શરૂ કરાશે. જે 90 દિવસ એટલે કે આગામી તા. 7 જુન 2023 સુધી ચાલશે. જો કોઇ ઇ-ગ્રામ સેન્ટર બંઘ હશે તો તેવા પ્રસંગે નજીકના ગામના ઇ ગ્રામ સેન્ટર ખાતેથી નોંધણી કરવાની રહેશે. જે માટે ખેડૂતોને વધુમાં વધુ ઓનલાઇન અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીએ એક યાદીમાં જણાવ્યું છે.