દાહોદ,દાહોદ જીલ્લામાં જુદી જુદી જગ્યાએ બનેલી હીટ એન્ડ રનની બે ઘટનાઓ પૈકીની એક ઘટના ગત મધરાતે લીમીડીથી દાહોદ હાઈવે પર આવેલા પાવડી ગામે રોડ પર બની હતી. જેમાં એક અજાણ્યો વાહન ચાલક તેના કબજાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી સામેથી આવતાં રણીયાર ઈનામી ગામના 36 વર્ષીય પ્રકાશભાઈ નાનજીભાઈ ભાભોરની જીજે-20 એએ-112 નંબરની મોટર સાયકલને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. મોટર સાયકલ પરથી ફંગોળાઈ રોડ પર પટકાયેલા પ્રકાશભાઈ ભાભોરને જમણો પગ સાથળ તેમજ પંજામાંથી ભાંગી જતાં તથા માથામાં ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે વડોદરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું. આ સંબંધે રણિયાર ઈનામી ગામના મરણ જનાર પ્રકાશભાઈ નાનજીભાઈ ભાભોરના પિતા નાનજીભાઈ ગલજીભાઈ ભાભોરે નોંધાવેલી ફરિયાદને આધારે લીમડી પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જ્યારે દાહોદ જીલ્લામાં હીટ એન્ડ રનન બીજી ઘટના દાહોદ તાલુકાના ખરેડી ગામે નાળા પાસે રોડ પર બની હતી. જેમાં એક અજાણ્યા વાહન ચાલકે તેનુ વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી ધામરડા ગામના રાહડુંગરી ફળિયાના 22 વર્ષીય સુક્રમભાઈ કાળુભાઈ બારીયાની જીજે-20 બીબી-3510નંબરની મોટર સાયકલને આગળથી ટક્કર મારી નાસી ગયો હતો. સર્જાયેલા અકસ્માતાં સુક્રમભાઈ કાળુભાઈ બારીયા મોટર સાયકલ પરથી ફંગોળાઈ રોડ પર પટકાતાં તેને માથાના ભાગે હાથે પર તથા પગના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું સ્થળ પર મોત નિપજ્યું હતું.
આ સંબંધે ધામરડા ગામના મરણજનાર સુક્રમભાઈ બારીયાના મોટા ભાઈ લાલુભાઈ કાળુભાઈ બારીયાએ નોંધાવેલ ફરિયાદને આધારે દાહોદ તાલુકા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.