દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાંદડીમાં ડી.જે.ના તાલે ઝૂમતા જાનૈયાઓ પર મધમાખીઓનો હુમલો

  • 15 થી વધુ જાનૈયાઓ ઇજાગ્રસ્ત:ઇજાગ્રસ્ત જાનૈયાઓમાં મહિલાઓ તેમજ બાળકોનો સમાવેશ.
  • ઇજાગ્રસ્ત જાનૈયાઓને ગરબાડા,અભલોડ તેમજ દાહોદ ખસેડાયા.
  • ડીજેના કર્કશ અને તીવ્ર ઘોઘાટના લીધે મધમાખી છંછેડાઈ હોવાનો અનુમાન.

ગરબાડા,

ગરબાડા તાલુકાના પાંદડી ગામેથી પસાર થતી જાન પર મધમાખીના ઝુંંડે હુમલો કરતા 15 થી વધુ જાનૈયાઓ ઇજાગ્રસ્ત થયા છે. મધમાખીના હુંમલામાં ઇજાગ્રસ્ત થયેલા જાનૈયાઓમાં મહિલાઓ તેમજ બાળકોનો પણ સમાવેશ થયો છે. મધમાખીના હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા જાનૈયાઓને ગરબાડા તેમજ અભલોડના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી દેવામાં આવ્યા હતા. જ્યાં બે મહિલાઓ એક પુરૂષ તેમજ બે બાળકોને વધુ ઇજાગ્રસ્ત હોવાથી તેઓને સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના પાંદડી ગામે ગાળા ફળિયાના રહેવાસી કરણ સંગોડના લગ્ન હોવાથી તેઓની જાન ગરબાડા તાલુકાના ભરસાડા ગામે જવાની હોઈ ડીજે ના તાલે ઝૂમતા જાન પાંદડી ગામેથી વરસાડા ગામ તરફ રવાના થઈ હતી. તે સમયે ડીજેના કર્કશ અવાજથી નજીકમાં આવેલો મધપૂડો છંછડાયો હતો અને છંછેડાયેલા મધમાખીના ઝુંડે એકાએક જાનૈયા ઉપર હુમલો કરતા 15 થી વધુ જાનૈયાઓ ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં નાના બાળકો તેમજ મહિલાનો પણ સમાવેશ થાય છે. હાલ મધમાખીના હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા જાનૈયાઓ પૈકી કેટલાક જાનૈયાઓને અભલોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ ગરબાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલ્યા હતા. તેમજ બે મહિલા એક પુરૂષ તથા બે બાળકો મળી કુલ પાંચ વ્યક્તિઓની હાલત ગંભીર જણાતા તેઓને દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા.