- સ્લેબ તૂટી જવાના બનાવમાં તલાટી તેમજ તાલુકા વિકાસ અધિકારીએ ઘટના સંબંધે ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ કર્યો.
ગરબાડા,ગરબાડા તાલુકાના છરછોડા ગામના વેડ ફળિયામાં નિર્માણાધીન ઓવરહેડ ટાંકીનો સ્લેબ તૂટી જતા બનેલી ઘટનામાં છ મજૂરો સ્લેબ નીચે દબાઈ ગયા હતા. જે પૈકી બેની હાલત અતિ ગંભીર થઈ હતી. જ્યારે અન્ય ચાર મજૂરોને સામાન્ય ઇજાઓ થતા તેઓને ટૂંકી સારવાર આપવામાં આવી હતી. જ્યાં પ્રાથમિક સારવાર બાદ એક મજૂરને વધુ સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે અન્ય એક મજુરને દાહોદના ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી દેવામાં આવ્યો હતો. હાલ આ મામલે સંવાદિત વિભાગ દ્વારા બનાવ અંગે રિપોર્ટ કરવામાં આવ્યો છે, તેમજ ઘટના અંગે તપાસનો ધમધમાટ કરી દેવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર છરછોડા વેડ ફળિયામાં જૂથ પાણી પુરવઠાની પાઇપલાઇન મારફતે પાણી પહોંચાડવા માટેની યોજના અંતર્ગત ઓવરહેડ ટાંકીનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. જે દરમિયાન સાંજના 6:30 વાગ્યાના સુમારે 30 થી 40 ft ની ઊંચાઈ ઉપર બની રહેલો સ્લેબ સેન્ટીંગ સાથે તૂટી જતા નીચે કામ કરી રહેલા છ મજૂરો દબાઈ ગયા હતા. જેના પગલે મજૂરોની બચાવો બચાવોની ચીસોથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, તે સમયે અન્ય મજૂરો તેમજ સ્થાનિકોએ સ્લેબ નીચે દબાયેલા મજૂરોને બહાર કાઢ્યા હતા અને સારવાર અર્થે દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં ઝાલોદના ભરત મછાર નામક યુવક તેમજ ખરોદાનો અન્ય એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા ફરજ પરના ડોક્ટરોએ તેને સારવાર આપવાની શરૂ કરી હતી. જ્યારે અન્ય ચાર મજૂરોને સામાન્ય ઇજાઓ થતા તેઓને પાટાપીડી કરી સારવાર આપી દીધી હતી. ગભગ ત્રણથી ચાર કલાકની સારવાર બાદ ભરત મછારની તબિયત નાજુક થતા ઝાયડસની ઈમરજન્સી આઈસીયુ ઓન વિલ એમ્બ્યુલન્સમાં વડોદરાના સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે અન્ય એક મજુરને તેમના સગા સંબંધીઓએ દાહોદના ખાનગી હોસ્પિટલમાં રિફર કર્યો હતો. ઘટના બાદ ઘટનાની જાણ વહીવટી તંત્રને થતા દાહોદ પ્રાંત અધિકારી તેમજ નાયબ કલેક્ટરે તપાસના આદેશો આપતા આ મામલે ગરબાડા તાલુકા વિકાસ અધિકારી તેમજ ગ્રામ પંચાયતના તલાટીએ ઘટના અંગે ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં રિપોર્ટ કર્યોં હતો. હાલ આ ઘટના સંદર્ભે સલગ્ન વિભાગ દ્વારા આ ઘટના કેવી રીતે બની સ્લેબ સેટિંગ સાથે કેવી રીતે તૂટીને નીચે પડ્યું ? જે અંગે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરી અહેવાલ અત્રેની કચેરીએ મોકલી આપવા આદેશો કર્યા હોવાનું જાણવા મળે છે.