દાહોદ જીલ્લાના ગરબાડાના વડવા ગામે સામાજીક કાર્યકર્તાના ઘરે આવી એક ઇસમે જાનથી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસ ફરિયાદ નોંધાઈ

દાહોદ,દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના વડવા ગામે એક ઈસમ દ્વારા ગામમાં રહેતા એક સામાજીક કાર્યકર્તાના ઘરે આવી અગમ્યકારણોસર ઘરના પરિવારજનોને તેમજ સામાજીક કાર્યકર્તાને મારી નાંખવાની ધમકી તેમજ પિસ્તોલથી ઉડાવી દેવાની ધમકી આપતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળે છે.

ગરબાડા તાલુકાના વડવા ગામે રહેતાં પ્રતાપભાઈ સમસુભાઈ બીલવાળ ગત તા. 17મી ઓગષ્ટના રોજ ગાંધીનગર ખાતે કોઈ કામ માટે ગયાં હતાં ત્યારે તેઓના ઘરેથી તેઓના ભાઈનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, ગામમાં રહેતો કમેશભાઈ શનુભાઈ માવી ઘરે આવ્યો હતો અને બેફામ ગાળો બોલી મારી નાંખવાની ધમકી આપી કહેલ કે, તારા ભાઈ પ્રતાપને સમજાવી દેજે, હું તેને પિસ્તોલથી ગોળી મારી ઉડાવી દઈશ, તેમ કહી કમેશભાઈ ત્યાંથી જતો રહ્યો હતો ત્યારે પ્રતાપભાઈ ગાંધીનગરથી પરત પોતાના ઘરે આવી પોતાના ઘરમાં લાગેલ સીસીટીવી કેમેરાની તપાસ કરતાં કમેશભાઈ માવી તેમના ઘરે આવ્યો હોવાનું સામે આવ્યું હતું. પ્રતાપભાઈ સમસુભાઈ બીલવાળના જણાવ્યાં અનુસાર, આ કમેશભાઈ માવી સાથે તેમનો કોઈપણ પ્રકારનો ઝઘડો નથી તેમ છતાંય આ કમેશભાઈ માવી દ્વારા મારી નાંખવાની ધમકીઓ આપી હતી.