- ઝરીબુઝર્ગ ગામે છ હતભાગીઓના એક જ ચિતા અગ્નિસંસ્કાર કરવામાં આવતા આખું ગામ હીબકે ચડ્યું.
દાહોદ, ગરબાડા દાહોદ નેશનલ હાઇવે પર પાટીયાઝોલ તળાવ નજીક ગઈકાલે સવારે ટ્રક અને રીક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક જ પરિવારના છ લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જેમાં ઝરી બુઝર્ગ ગામના એક જ કુટુંબના સભ્યોને કાળ ભરખી જતા પરિવારજનોમાં માતમ છવાયો હતો.અત્રે ઉલ્લેખનીય છેકે, ત્રણેક વર્ષ પહેલા પિતરાઈ ભાઈઓ વચ્ચે જમીન સંબંધિત તકરાર થતા બંને પક્ષ દ્વારા સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે અંગે ગરબાડાની કોર્ટમાં આ કેસ બોર્ડ ઉપર આવી ગયો હતો. જોકે કટારા પરિવારના મહત્તમ સભ્યો રાજકોટ મુકામે કડિયા કામ અને ક્ધસ્ટ્રકશન સાઈડ ઉપર મજૂરી કામમાં જોતરાયેલા હોવાથી ત્યાં જ રહેતા હતા. જ્યારે તેમના પિતા કસુભાઈ સહિતના ગણતરીના લોકો જ ઘરે રહેતા હતા. કોર્ટમાં મુદ્દત પડે ત્યારે કશુભાઈને જાણ કરાતા તેઓ કોર્ટ મુદ્દતે હાજરી આપવા વતન આવ્યા હતા. જોકે, અગાઉ ચાર વખત કોર્ટમાં મુદતે હાજર થઈ ગયેલા ઝરીબુઝર્ગ ગામના ગરગાડી ફળિયામાં રહેતા નરેશભાઈ કટારા, રેખાબેન કટારા, પવનભાઈ કસુભાઈ કટારા, બાળક મુકેશભાઈ કટારા અને કેવલભાઈ કટારા, બાળક રાઘવ સાથે બસ દ્વારા મંગળવારે ગરબાડા આવ્યા હતા. ત્યાંથી રિક્ષામાં ઝરી બુઝર્ગ ઘરે જતી વખતે ટ્રકની ટકકરે બુધવારે કોર્ટમાં હાજર થાય પહેલા જ પાટીયાઝોલ ગામે થયેલા અક્માતમાં તમામના મોત થતા ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. જેના પગલે સમગ્ર ગામમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો. તો બીજી તરફ 6 સભ્યોના આજરોજ સામુહિક રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવતા ઘરના અન્ય સંબંધીઓ, તેમજ ડાઘુઓ પણ ચોધાર આંસુએ રડ્યા હતા.આજુ બાજુના ગામડાઓ સહિત મોટી સંખ્યામાં લોકો અંતિમ સંસ્કારમાં જોડાયા હતા. ઝરીબુઝર્ગ ગામમાં થયેલા આ દર્દનાક અકસ્માતથી દરેકની આંખો ભીની થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર અને સાથે સ્થાનિક આગેવાન સરપંચ અને અન્ય લોકોએ પણ આ અંતિમ સંસ્કારમાં ઉપસ્થિતિ માં જોડાયા હતા. મૃતકો ની અંતિમ વિધિમાં કોઈ અઘટિત ઘટના નાં બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો.