દાહોદ,દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ગામમાંથી એક ત્રાહિત વ્યકિતએ 181 મહિલા હેલ્પલાઈનમાં કોલ કરી યુવતીના કોર્ટ મેરેજ થયેલ હોવા છતાં યુવતીના માતા પિતા દ્વારા બળજબરીથી બીજા છોકરા સાથે સમાજના પંચ દ્વારા મોકલી દીધાનું જણાવેલ હતું. જ્યાં આ યુવતીને રહેવું નથી. જેના કારણે માનસિક રીતે ભાંગેલી આ યુવતી આત્મહત્યા કરવાનું જણાવી રહી છે.જેથી અભયમ દ્વારા મદદ કરવા જણાવ્યું હતું. ત્યારબાદ 181 અભયમ દાહોદની રેસક્યું ટીમ ધાનપુર ખાતે પહોચી અસરકારક કાઉન્સિલગ દ્વારા પરિવારને યુવતીને કોર્ટ દ્વારા કરેલ લગ્ન સ્વિકારવા સંમત કર્યા હતાં.
મળતી માહિતી મુજબ 26 વર્ષની યુવતી તેણે પસંદ કરેલા યુવક સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. જેની જાણ પરિવારને થતાં તેઓએ તેનો અસ્વીકાર કરી અન્ય જગ્યા એ યુવતીની મરજી વિરૂધ્ધ મોક્લી દીધી હતી. અભયમ દ્વારા પરિવારને માર્ગદર્શન આપેલ કે પુખ્ત વયની કોઇપણ વ્યક્તિ પોતે જાતે નિર્ણય લેવા સ્વતંત્ર છે અને કોર્ટ દ્વારા થયેલ મેરેજને સ્વીકારવું પડે આમ અસરકારકતાથી સમજાવતા તેઓએ આ યુવતીને તેની સાસરીમાં મોકલવા સંમત થયા હતાં. યુવતીના કોર્ટ મેરેજ થયેલા તે યુવક અને પરિવારને બોલાવવામાં આવેલ તેઓ યુવતિને સ્વીકારવા માટે તૈયાર હોવાથી દીકરીને ગામના આગેવાનો અને પરિવારની હાજરીમાં યુવકને સોંપવામાં આવેલ છે.