દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા શહેરમાં દબાણ હટાવવાની કામગીરી થયા પછી ફરીથી દબાણકર્તા યથાવત : પાલિકાની કામગીરીનો ફિયાસ્કો

  • દબાણ હટાવી પાલિકા એ તરત આત્મ સંતોષ માની લીધો હવે ફરીથી એ જગ્યા એ થયું દબાણ.

દાહોદ,

પ્રાપ્ત વિગતો મુજબ દેવગઢ બારીયા નગરમાં પાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણોનો જમાવડો વધી જતા નગરમાં વહેલી સવાર થી લઈને સાંજ સુધી આખો દિવસ ટ્રાફિકની સમસ્યા એ માઝા મૂકી હતી. દિવસ દરમ્યાન કેટલીક દુકાનો આગળ વાહન પાર્કિંગ ના પણ નાના મોટા ઝગડા થયા કરતા હતા અને જેમાં ઘણીવાર પોલીસને દરમ્યાનગીરી કરી મામલો શાંત પાડવા પડતું હતું. ટ્રાફિક સમસ્યાની સતામણીના કારણે દેવગઢ બારીયા પાલિકા તંત્રના જવાબદાર ચીફ ઓફિસરે ઓચિંતા રોડની સાઈડમાં મુકવામાં આવેલા લારી ગલ્લા, ચા-નાસ્તાની ઝુંપડા દુકાનો, કટલરીવાળા સહીત અન્ય નાના ધંધાવાળાઓને દબાણમાં હટાવી ઘર ભેગા કર્યા હતા. નાના ધંધાર્થીઓને પાલિકાએ હટાવી દબાણ હટાવી દીધું હોવાનો બહુ મોટો આત્મસંતોષ માની લીધો હતો, પરંતુ હવે એ દબાણકર્તાઓ પુન: જે તે જગ્યા એ હાલમાં પાલિકા તંત્રના અધિકારીઓની મહેરબાની થી યથાવત જોવા મળી રહ્યા છે. કારણ કે, અધિકારીઓએ દબાણ હટાવી દેતા ચા અને નાસ્તો મળતો બંધ થઈ ગયો હોવાનું નગરજનોમાં ચર્ચાઈ છે.

જયારે કેટલાક લોકો પોતાનું ગુજરાન ચલાવવા માટે લારી ગલ્લા મુકવા માટે પાલિકાના સદસ્યોંની પણ ભલામણ કરી રહ્યા હોવાની માહિતી મળી છે. પાલિકા એ હટાવી દીધેલા દબાણો ફરીથી પણ જેતે જગ્યા એ જમાવટ થઈ જતા રોજિંદુ કમાઈ ખાનારા ગરીબ લોકોને લારી ગલ્લા નહીં મુકવા દેતા પાલિકાના આવા અંધેર વહીવટ સામે છૂપો ગણગણાટ લોકોમાં જોવાઈ રહ્યો છે.