
- આખો દિવસ રોડ ઉપર ગટરના ઢાંકણ માંથી વહેતું ગંદુ પાણી.
દાહોદ,
પ્રાપ્ત વિગતો મુજબ દેવગઢ બારીયા પાલિકા તંત્ર દ્વારા લાખ્ખો નહીં પણ કરોડો રૂપિયાના ખર્ચ કરીને પાલિકા વિસ્તારની જૂની ગટરોને નવીન બનાવવામાં આવી અને બજાર વિસ્તારમાં ગંદાપાણીના નિકાલ માટે નાની ગટરોને જોડતી ભૂગર્ભ ગટરો પણ બનાવવામાં આવી. છતાંપણ હજુ પાલિકા વિસ્તારમાં દુર્ગંધ મારતી ગટરો પણ ક્યાંક ક્યાંક જોવા મળી રહી છે.
દેવગઢ બારીયા પાલિકા વિસ્તારમાં પીપલોદ તરફ જતા રાજમહેલ રોડ વચ્ચે પણ ભૂગર્ભ ગટરો બનાવવામાં આવી છે અને આ ગટરોના ઢાંકણા રોડ લેવલ કરતા પણ ઊંચા છે. જેને કારણે ઘણીવાર બાઈક ચાલકોને નાના મોટા અકસ્માતનો ભોગ પણ બનવું પડતું હોય છે. અધૂરામાં પૂરૂં આ રોડ ઉપર બનેલી ભૂગર્ભ ગટરોના ઢાંકણા માંથી ગટરોનું ગંધાતુ પાણી દરરોજ સવાર થી સાંજ સુધી વહ્યા કરતું હોય છે. રાજમહેલ રોડ ઉપર આવેલ પેટ્રોલપંપની બિલકુલ સામે રોડ ઉપર ગટરના ઢાંકણ માંથી જાણેકે ચોમાસામાં ડુંગર ઉપર જેમ ઝરણાં નીકળતા હોય છે. તેમ ગટરનું ઝરણું આખો દિવસ વહેતા આ પાણી છેક રાજમહેલની સામે સ્પોર્ટ્સ કોમ્લેક્સ જવાનાં રોડ સુધી પહોંચી જતા બાઈક સવારો અને રાહદારીઓ માટે ગટરનું ગંદુ પાણી નડતર રૂપ બનતા કેટલાય લોકોના નવા કપડાં ઉપર ગંદા પાણીના ડાઘ પડતા હોય છે. ઘણીવાર મોટી ગાડીઓ આ જગ્યા એ પસાર થતા આ ગાડીઓના ટાયર પાણીમાં પડતા ગંદુ પાણી ઉડીને તેના છાંટા લોકોને કપડાં તો ઠીક પણ મોઢામાં પણ ભરાઈ જતા હશે.
દેવગઢ બારીયા પાલિકા તંત્ર નગરજનોની સુખાકારી માટે જે કઈ ખર્ચ કરી રહી છે. તે ખર્ચમાં ગટર યોજનાના ખર્ચના આંકડા બહુ મોટા હશે તે નકકી છે, પણ આ કામગીરીમાં એજન્સીવાળાની નબળી કામગીરીના પ્રતાપે પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. દેવગઢ બારીયા પાલિકા તંત્ર દ્વારા ઉભરાતી ગટરોનું યોગ્ય સમારકામ થાય તે જ જરૂરી છે.