- દુકાનના સંચાલકની મનમાની થી અનાજ અપાતું હોવાની કેફીયત સાથે ગ્રાહકોનો બળાપો.
દાહોદ,
પ્રાપ્ત વિગતો મુજબ દેવગઢ બારીયા શહેરના કાપડી વિસ્તારમાં આવેલ સરકારી સસ્તા અનાજની દુકાન નસીબ મહિલા મંડળ દ્વારા ચલાવવામાં આવે છે અને આ દુકાનમાં સમાવિષ્ટ રેશનકાર્ડ ધારકોને સરકાર તરફથી મળતું અનાજ પૂરૂં પાડવા માટે દુકાનદારના સંચાલકની પૂરતી જવાબદારી હોય છે. કાપડી રેલ્વે સ્ટેશન સામે આવેલ આ સસ્તા અનાજની દુકાનના સંચાલક છેલ્લા કેટલાય લાંબા સમય થી પોતાની મનસ્વી રીતે અનાજનું વિતરણ કરતા હોવાની વ્યાપક લોકબૂમો હાલ ઉઠવા પામી છે. જયારે પણ કાપડી વિસ્તારના કાર્ડ ધારકો અનાજ લેવા દુકાને જાય છે, તો આજે સર્વર બંધ છે, અગૂઠા મશીન બંધ છે, હજુ દુકાને અનાજ નથી આવ્યું માટે દુકાન બંધ છે, એવા અનેક બહાના બતાવી દુકાન સંચાલક કાર્ડ ધારકોને વારંવાર ધરમધક્કા ખવડાવતા ગરીબ લોકોને અનાજ નહીં મળતા પોતાના ઘરે વિલા મોઢે પરત ફરવું પડતું હોય છે. જયારે આ સસ્તા અનાજની દુકાનમાં કોઈપણ પ્રકારનું બોર્ડ કે અનાજનું ભાવપત્રક પણ મુકવામાં આવેલ નથી. જેના કારણે કાપડી વિસ્તારના અભણ અને અબુધ ગરીબ લોકો પાસે મન ફાવે એટલા રૂપિયા અનાજના સંચાલક દ્વારા પડાવી લઈ અનાજ પણ ઓછું આપતાં હોવાનું જાણવા મળ્યું છે.
દેવગઢ બારીયા શહેર ના કાપડી વિસ્તારમાં આવેલી સરકારી સસ્તા અનાજની દુકાનના સંચાલક દ્વારા કરાતી અનેક ગેરરીતિઓના લીધે સ્થાનિક લોકો આખરે હારીથાકીને મામલતદાર દેવગઢ બારીયાને આ સરકારી દુકાનનો વહીવટ જનતાના લાભાર્થે નહીં થતો હોય તે માટે દુકાનનું સંચાલન અન્ય કોઈને સોંપવામાં એવી માંગણી સાથે લેખિતમાં રજુઆત કરી પુરવઠા વિભાગ ગાંધીનગર, કલેકટર દાહોદ તથા પ્રાંત અધિકારી દેવગઢ બારીયાનાઓને પણ અરજી મોકલવામાં આવી છે.
આમ, દેવગઢ બારીયા શહેરના કાપડી વિસ્તારમાં સરકારી સસ્તા અનાજની દુકાનમાં ચાલતા ગેરવહીવટ સામે દુકાનનું સંચાલન અન્યત્રને સોંપવા માંગ કરાઈ છે.