દાહોદ જિલ્લામાં ચાર અલગ અલગ અકસ્માતના બનાવોમાં 4 ના મોત : બે વ્યકિતને ઈજાઓ

દાહોદ,

દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલત અને વાહનની ક્ષમતા કરતા વધુ પડતી ઝડપના કારણે ગમખ્વાર અકસ્માતનો શરૂ થયેલો સીલસીલો યથાવત રહેતા ગતરોજ જિલ્લામાં જુદી-જુદી જગ્યાએ બનેલા ગમખ્વાર અકસ્માતના ચાર બનવોમાં ચાર જણા કાળનો કોળીયો બન્યાનું તેમજ બે જણાને ગંભીર ઈજાઓ થવા પામ્યાનું જાણવા મળ્યું છે.

દાહોદ જિલ્લામાં ગમખ્વાર અકસ્માતના બનેલા ચાર બનાવો પૈકીનો એક બનાવ દે.બારીયા તાલુકાના દુખળી ગામે કોળીના પુવાા ગામના સીમાડા નજીક ચોકડી પર રાત્રીના દશ વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં પુરપાટ દોડી આવતું અજાણ્યું વાહન કોળીના પુવાળા ગામના નરવતભાઈની જીજે-20 એજી-2842 નંબરની મોટર સાયકલને ટક્કર મારી નાસી જતાં નરપતભાઈને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ સંબંધે દેવગઢ બારીઆ પોલિસે ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગમખ્વાર અકસ્માતનો બીજો બનવા દેવગઢ બારીયા તાલુકાના મોટી ઝરી ગામે ત્રણ રસ્તા ચોકડી પર બપોરના સાડા ત્રણ વાગ્યાના બનવા પામ્યો હતો. જેમાં મોટી ઝરી ગામના ચંદ્રોઈ ફળીયાના હીતેશભાઈ રમેશભાઈ પટેલ પોતાના કબજાની જીજે-20 એ.પી.-2235 નંબરની મોટર સાયકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા મોટર સાયકલ સ્લીપ ખાઈ જતાં ચાલક હીતેશભાઈ રમેશભાઈ પટેલને માથામાં તેમજ શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું જ્યારે મોટર સાયકલ પર પાછળ બેઠેલ રાજેન્દ્રભાઈ ગુલાબભાઈ પટેલને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે દેવગઢ બારીયાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ સંબંધે મોટી ઝરી ગામના મરણ જનાર હિતેશભાઈ પટેલના સગાભાઈ નિલેશભાઈ રમેશભાઈ પટેલે નોંધાવેલ ફરિયાદને આધારે પીપલોદ પોલિસે ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગમખ્વાર અકસ્માતનો ત્રીજો બનાવ ઝાલોદથી લીમડી તરફ જતાં હાઈવે રોડ પર સાંપોઈ ગામે ગતરોજ સાંજના સાડા પાંચ વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો જેમાં એક ફોર વ્હીલ વાહનનો ચાલક તેના કબજાની જીજે-20 એ-4539 નંબરની વેગેનાર ગાડી પુરઝડપે દોડાવી લાવી કાળીગામ ઈનામી ગામના 50 વર્ષીય કાળુભાઈ સમુડાભાઈ મેડાની મોટર સાયકલ સાથે ધડાકાભેર અથડાવી નાસી જતાં મોટર સાયકલ પર પાછળ બેઠેલ માનસીંગભાઈ ડાંબી આંખ પર, જમણા હાથે કાંડાના ભાગે તથા જમણા હાથની આંગળીઓ પર ઈજાઓ થવા પામી હતી તેમજ જમણા પગની સાથળના ભાગે ટુકડા થઈ જતાં ગંભીર ઈજાઓ થઈ હતી જ્યારે કાળુભાઈ સમુડાભાઈ મેડાને પણ શરીરે ગંભીર ઈજાઓ થતાં બંનેને સારવાર માટે લઈ જતાં માનસીંગભાઈનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ સંબંધે ઝાલોદ પોલિસે વેગેનાર ગાડીના ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે ગમખ્વાર અકસ્માતનો ચોથો બનાવ ફતેપુરા તાલુકાના રૂપાખેડા ગામે બનવા પામ્યો હતો. જેમાં સંતરામપુર તાલુકાના ઘાટીયા ગામના સુરેશભાઈ મનસુખભાઈ સુવર તેના કબજાની જીજે-06 બીડી-601 નંબરની મોટર સાયકલ પર જઈ રહ્યા હતા તે દરમ્યાન સામેથી પુરપાટ દોડી આવતી છોટા હાથી ટેમ્પાના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દઈ સુરેશભાઈ સુવરની મોટર સાયકલ સાથે ધડાકાભેર અથડાતાં સુરેશભાઈ મનસુખભાઈ સુવરને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ સંબંધે સુખસર પોલિસે છોટા હાથી ટેમ્પાના ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.