દાહોદ જિલ્લામાં ભાજપના અસંતુષ્ટો તેમજ નારાજ કાર્યકર્તાઓને મનાવવા સી. આર. પાટીલ દાહોદ દોડી આવ્યા

  1. આમ આદમી પાર્ટીનો વધતો વ્યાપ:બીજેપીની જનસભામાં જનમેદની ભેગી ન થતા કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારોમાં હતાશા..
  2. દાહોદ બીજેપી મુખ્યાલય કમલમ ખાતે સી આર પાટીલે ગણતરીના હોદ્દેદારો સાથે ખાનગી મિટિંગ યોજી..
  3. ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં વિધાનસભા બેઠકો પર ચિતાર દરમિયાન બીજેપીને નુકસાન થતા પ્રદેશ પ્રમુખના ડેમેજ કંટ્રોલ ના પ્રયાસો..

દાહોદ,

દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ કુલ છ વિધાનસભા બેઠકો પર મતદાન પહેલા ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. ત્યારે બિન આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આઈબીના સર્વે અનુસાર દાહોદ જિલ્લાની છ વિધાનસભા બેઠકો પૈકી પાંચ વિધાનસભા બેઠકો પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર જોવાઈ રહી છે. સાથે સાથે બદલાયેલા સમીકરણોની વચ્ચે ભાજપના અસંતુષ્ટો તેમજ નારાજ કાર્યકર્તાઓ ખેલ બગાડે તેવી પૂરેપૂરી શક્યતાઓ હોવાથી પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તાબડતોડ દાહોદ જિલ્લાની મુલાકાતે દોડી આવ્યા હતા અને કમલમ ખાતે ખાનગી મિટિંગ મારફતે નારાજ કાર્યકર્તાઓને મનાવવા માટે પ્રયાસો હાથ ધરી ડેમેજ કંટ્રોલના અંતિમ પ્રયાસો કરતા જોવા મળ્યા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે દાહોદ જિલ્લામાં સમાવેશ કુલ છ વિધાનસભા બેઠકો પર આઈબીના રિપોર્ટ પ્રમાણે પાંચ વિધાનસભા બેઠકો પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. તેમ હાલના તબક્કે કહેવાય રહ્યું છે. સાથે સાથે ટિકિટોની વહેંચણી બાદ અસંતુષ્ટો તેમજ નારાજ થયેલા બીજેપીના કાર્યકર્તાઓ ખેલ ન બગાડે તે માટે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આજરોજ દાહોદ જિલ્લાના મુખ્ય કમલમ ખાતે દોડી આવ્યા હતા અને ખાનગી મિટીંગ યોજી હતી. જેમાં દરેક વિધાનસભા બેઠકો પર ચીંતાર મેળવી ડેમેજ કંટ્રોલના પ્રયાસો હાથ ધર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ તરફે એન્ટી ઇન્કમબસી તેમજ આદમી પાર્ટીના વધતા વ્યાપના કારણે બીજેપીની ચૂંટણી સભાઓમાં ભીડ ભેગી ન થઈ રહી છે. જેના પગલે બીજેપીના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓમાં એક પ્રકારની નિરાશા ફેલાઈ જવા પામી છે. જોકે, હાર્યો જુગારી બમણો રમે તેમ ચૂંટણી જીતવા માટે બીજેપીના ઉમેદવારો દ્વારા એડી ચોંટીનું જોર લગાવી જનસભાઓમાં જન મેદની ભેગી કરવા માટે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અદાકારા મમતા સોની તેમજ આદિવાસી વિસ્તારમાં ટીમલીથી પ્રખ્યાત થયેલા અર્જુન આર.મેડા જેવા ગાયક કલાકારોને બોલાવવાની ફરજ પડી છે. આ તમામ સમીકરણોની સાથે સાથે બીજેપીના કદાવર રાજનેતાઓ દ્વારા ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરી મતદારોને રીઝવવા માટે ભર શિયાળે પરસેવો પાડી રહ્યા છે. જોકે આ તમામ પરિસ્થિતિઓમાં મતદારોમાં નિરસતા તેમજ અકળ મૌન વચ્ચે વિધાનસભા બેઠકો પર અન્ડર કરંટ તો નથી ને..? જેવી કલ્પનાથી દાહોદ જિલ્લાની બેઠકો પર સર્જાયેલા સમીકરણોનો ચિતાર લેવા માટે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દાહોદ ખાતે ઓચિંતા દોડી આવ્યા હતા અને બંધ બારણે બેઠક યોજી વિધાનસભા બેઠકો અંગે કરવા માટે નારાજ થયેલા તેમજ અસંતૃષ્ઠોને મનાવવાનો અંતિમ પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.