દાહોદ જિલ્લાના 892 મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટીગ, ઉચ્ચ અધિકારીઓ સહિત ટીમની બાજ નજર

દાહોદ,

દાહોદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ રહી છે ત્યારે જિલ્લા સેવા સદન ખાતેની ગ્રીન બિલ્ડીંગ ખાતેના કંટ્રોલ રૂમ પરથી લાઇવ વેબકાસ્ટીંગ થકી બિગ સ્ક્રિન સહિત 75 થી વધુ મોનિટર ઉપર જિલ્લા ચૂંટણી અધિકારી, ઓબ્ઝર્વરઓ સહિતના અધિકારીઓ સહિત 80 થી વધુનો સ્ટાફ 892 સંવેદનશીલ મતદાન મથકો ઉપર ચાંપતી નજર રાખી રહ્યો છે. કોઇ પણ મતદાન મથક ઉપર ઇવીએમ ખોરવવાથી લઇને નાની મોટી સમસ્યાઓ સામે યુદ્ધના ધોરણે એકશન લેવામાં આવે છે સંબધિત અધિકારીને સૂચિત કરાય છે અને સમસ્યાઓનો તાબડતોબ નિકાલ કરાય છે.

કલેકટર ડો. હર્ષિત ગોસાવી અહીંના વેબકાસ્ટીંગ રૂમ ખાતે સતત ઉપસ્થિત રહીને જાતે જ મોનિટરિંગ કરી રહ્યાં છે અને સંબધિત અધિકારીઓને સૂચિત કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે, આજે સવારે મોકપોલ પક્રિયા પૂર્ણ થયા બાદ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થયો છે. અહીંના 892 પોલીગ સ્ટેશનનું અહીંથી લાઈવ વેબકાસ્ટીગ થઈ રહ્યું છે. તેમજ ઇવીએમ વગેરે સમસ્યાઓનો ઝડપી નિકાલ કરાઈ રહ્યો છે. અહીંથી તુરત સેકટર ઓફિસર, આરઓને જાણ કરીને સમસ્યાને તુરત દૂર કરાઈ છે.

સ્માર્ટ સિટીના ગ્રીન બિલ્ડિંગ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી, જનરલ ઓબ્ઝવર્સ, જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી સહિતના ઉચ્ચ અધિકારીઓ વેબકાસ્ટીગ કંટ્રોલ રૂમ ખાતે વહેલી સવારથી જ મોનિટરીગ કરી રહ્યા છે અને જિલ્લામાં ચૂંટણી સંબંધી તમામ બાબતોનું ધ્યાન રાખી રહ્યાં છે. કયાંક કશી નાની મોટી સમસ્યા સર્જાય તો તુરત નિકાલ કરવામાં આવી રહ્યો છે.