દાહોદ , દાહોદ જિલ્લામાં વન કર્મીઓની સૂચક અને સતત ગેરહાજરીથી ફોરેસ્ટ ચેકિંગ નાકાઓ શોભાના ગાંઠિયા બન્યાના અખબારી અહેવાલના પગલે સાબદા બનેલા વન વિભાગના વન અધિકારીઓ તથા વનકર્મીઓએ હાલ ધાનપુર બારીયા રોડ પરથી લાકડા ભરેલ ત્રણ ટ્રક, બે ટ્રેક્ટર તથા એક ટેમ્પો પકડી પાડ્યા હતા જ્યારે ગરબાડાથી લાકડા ભરેલ એક ટ્રક પણ પકડી પાડવામાં આવી હતી. ત્યારે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે, વન વિભાગના અધિકારી તથા કર્મચારીઓની આ સતર્કતા કેટલો સમય ટકી રહેશે? દાહોદ જિલ્લાનો મોટાભાગનો વિસ્તાર જંગલ વિસ્તાર હોઇ વન વિભાગ દ્વારા જિલ્લામાં કુલ 14 જેટલા ફોરેસ્ટ ચેકિંગ નાકા ઉભા કરવામાં આવ્યા છે. જેમાં બારીયામાં-3, સાગટાળામાં -2, લીમખેડામાં-2, ધાનપુરમાં-1,વાસીયા ડુંગરીમાં1, ફતેપુરામાં-1, ઝાલોદમાં -2 તથા સંજેલીમાં-2 ફોરેસ્ટ નાકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 14 રેન્જ આવેલી છે. અને આ 14 રેન્જ માટે કુલ 179 વન રક્ષકની જગ્યાઓ ઊભી કરવામાં આવી છે. જેમાંથી હાલ માત્ર 94 જેટલી જગ્યા જ ભરાયેલી છે. અને 85 જેટલી જગ્યાઓ હાલ ખાલી છે. અને છેલ્લા કેટલાય સમયથી નવા વન કર્મીઓની સરકાર દ્વારા ભરતી કરવામાં ન આવતા જિલ્લામાં ઊભા કરવામાં આવેલા 14 જેટલા ફોરેસ્ટ ચેકિંગ નાકા વનકર્મીની ગેરહાજરીના કારણે શોભાના ગાંઠીયા બનીને રહી જવા પામ્યા છે. જેના કારણે જંગલનુ કીમતી લાકડું ચોરનાર વિરપ્પનોને બખ્ખા બખ્ખા થઈ ગયા છે. જેને પગલે સરકારી તિજોરીને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. દાહોદ જિલ્લામાં બે ત્રણ વન અધિકારીઓના મનસ્વી વલણને કારણે લાકડા ચોર વીરપ્પનોને ઘી કેળા થઈ ગયા હોવાનું બારીયા પંથકમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ મામલે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી અને તટસ્થ તેમજ નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે તેવો સમયનો તકાજો છે.