દાહોદ,અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભગવાન શ્રીરામજીના દર્શાનાર્થે દાહોદ જીલ્લાના 1382 રામ ભક્તો આજરોજ આસ્થા ટ્રેન મારફતે અયોધ્યા મુકામે જવા રવાના થયાં હતા. ત્યારે આ રામ ભક્તોને વિદાય આપવા માટે દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે પરિવારજનો સહિત રામ ભક્તો તેમજ રાજકીય પક્ષો હાજર રહ્યાં હતાં.
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદથીજ ભગવાન શ્રીરામજીની દર્શન કરવા માટે દેશ, દુનિયા માંથી ભગવાન રામજીના દર્શન માટે લાખ્ખોની સંખ્યામાં દરરોજ રામ ભક્તો ઉમટી રહ્યાં હતાં. ત્યારે દાહોદ જીલ્લામાંથી 1382 જેટલા રામ ભક્તો પણ ભગવાન શ્રી રામજીના દર્શન માટે અયોધ્યા જવાનું નક્ક કરતાં આજરોજ આ રામ ભક્તો આસ્થા ટ્રેન મારફતે અયોધ્યા જવા રવાના થયાં હતા. ત્યારે દાહોદ શહેરના રેલ્વે સ્ટેશન ખાતે તેઓને વિદાય આપવા માટે રામ ભક્તોના પરિવારજનો સહિત શહેર સહિત જીલ્લાના રામ ભક્તો તેમજ રાજકીય પક્ષો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. ટ્રેનને ફુલોથી સણગારવામાં આવી હતી. જય શ્રી રામના નારા સાથે સમગ્ર રેલ્વે સ્ટેશન ગુંજી ઉઠ્યું હતું. ગુજરાત સરકારના માજી મંત્રી ભુપેન્દ્ર લાખાવાલા, અયોધ્યા પ્રોજેક્ટના મધ્ય ગુજરાત ઝોનના ઈન્ચાર્જ સુધીરલાલપુરવાલા, જીલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્ર સોની, વિનોદ રાજગોર, શહેર પ્રમુખ પ્રશાંતભાઈ દેસાઈ, મુકેશ ખચ્ચર અને શહેરના ગણમાન્ય લોકો તેમજ રામ ભક્તો વિગેરે રેલ્વે સ્ટેશન ખાતે હાજર રહી રામ ભક્તોને વિદાય આપી હતી. રેલ્વેના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં અને સમયસર ટ્રેન દાહોદથી રવાના થઈ હતી. આ રામ ભક્તો આજે તારીખ 18મીએ સાંજના સમયે જવા રવાના થયાં હતાં અને તારીખ 21મી ફેબ્રુઆરીના રોજ પરત આવશે.