
ગુજરાતમાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે. રાજ્યના દાહોદ જિલ્લામાંથી ખેતીલાયક જમીનને લઈને મોટું કૌભાંડ થયું હોવાનો ઘટસ્ફોટ થયો છે. એટલે કે સરકારની વેબસાઈટમાં ખેતીલાયક જમીનનું વેચાણ કરાવા તેને બિનખેતીલાયક બતાવવામાં આવે છે પછી જમીનનો મોટો સોદો પાડવામાં આવે છે. સરકારી તંત્રની વધુ એક પોલ ખુલી છે. વહીવટીતંત્રમાં કોના હાથ નીચે આ કારસ્તાન થાય છે તેને લઈને હાઈકોર્ટે પણ મામલતદાર, એસડીએમ અને કલેકટર તમામની ઝાટકણી કાઢી. વધુમાં કોર્ટે ચીમકી પણ ઉચ્ચારી છે કે જો સરકારી કચેરીમાંથી આ મામલામાં ખોટું થયાનું સામે આવશે તમામ સંબંધિત લોકો પર કાનૂની કાર્યવાહી કરવામાં આવી શકે.
હાઇકોર્ટમાં એક કેસની સુનાવણીમાં દાહોદ જિલ્લાની ખેતીલાયક જમીન આપવા બદલ નોટિસ ફટકારનારા મામલતાદરા, એસડીએમ અને કલેકટર સામે કોર્ટે લાલ આંખ કરી છે. કોર્ટે ટીપ્પણી કરતાં કહ્યું કે જયારે સરકારની મહેસુલ વિભાગની વેબસાઈટમાં જે જમીન બિનખેતીલાયક હોવાનું સ્ટેટસ બતાવે છે તો તમે ખરીદનાર સામે કેવી રીતે પગલાં લઈ શકો છો. નોંધનીય છે કે દાહોદમાં રહેતા સુરેશચંદ્ર શેઠે ખેતીલાયક જમીન ખરીદતા મામલતદારે તેમને નોટિસ પાઠવી હતી. નોટિસનો જવાબ આપતા સુરેશભાઈના વકીલે કહ્યું કે , મામલતદારે આપેલી નોટિસ ગેરકાયદે અને ગેરબંધારણીય છે. સરકારે પોતે સ્વીકરા કર્યો કે આ નોટિસ ખોટી છે આવી નોટિસ આપી શકાય નહીં.
જણાવી દઈએ કે સામાન્ય રીતે નિયમ છે કે ખેતીલાયક જમીન ખેડૂત ખાતેદાર સિવાય કોઈપણ વ્યક્તિ ખરીદી શક્તો નથી. આથી કેટલાક લોકો પોતાની જમીનનું વેચાણ કરવા સરકારી વેબસાઈટમાં પોતાની જમીન બિનખેતીલાયક બતાવી તે જમીનનું વેચાણ કરે છે. દાહોદમાં જ આવો કિસ્સો સામે આવ્યો હતો. જો કે તેમાં તે વ્યક્તિએ સરકારી વેબસાઈટમાં જે જમીન બિનખેતીલાયક બતાવી હતી તેની જ ખરીદી કરી હતી. જ્યારે આ મામલે તેમના વિરુદ્ધમાં અરજી કરવામાં આવી ત્યારે કોર્ટે પણ અરજદારની અરજી માન્ય રાખતા સરકારી અધિકારીઓનો ઉધડો લીધો હતો. કોર્ટે આ મામલાની વધુ તપાસ કરવા સરકારને નિર્દેશ કર્યો હતો.