દાહોદ જીલ્લામાં ઝાલોદ તાલુકામાં આવેલો માછણનાળા ડેમ 70% ભરાયો જેને પગલે હાઈ એલર્ટ

  • સાત ગામોને સાવચેતીના પગલા માટે એલર્ટ કરાયા.

વરસાદની આગાહીના પગલે તાજેતરમાં અવિરત પડી રહેલા વરસાદના કારણે દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના માછણનાળા ડેમમાં 70% ટકા પાણીની આવક થતાં અગમચેતીના ભાગરૂપે સાત ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. આ ડેમની પૂર્ણ સપાટી 275.900 મીટરની છે. આજે તા.29/07/2023ના રોજ 70% પાણી ભરાયા છે. ડેમ પાણીથી હાલ છલોછલ ભરેલો છે, ઉપરાંત હજી પણ પાણીની આવક વધવાની શકયતાએ હાલની સપાટી હાઈ એલર્ટ સ્ટેજના લેવલે થયેલ છે.

આ શક્યતાઓને ધ્યાને લઇને જીલ્લા કલેક્ટર ડો યોગેશ નિરગુડે અને ડિઝાસ્ટર શાખા મામલતદાર દ્વારા ડેમના નીચવાસના ઝાલોદ તાલુકાના ભાનપુર, ચિત્રોડિયા, ધાવડીયા, મહુડી, માંડલીખુટા, મુનખોસલા અને થેરકા એમ મળી કુલ સાત ગામોને સાવચેતીના પગલા લેવા સબંધિત સ્થાનિક લોકોને, ગ્રામ પંચાયત તેમજ તલાટી કમ મંત્રી, મામલતદાર, પ્રાંત અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારીને સૂચના આપવામાં આવી છે, તેવું જાણવા મળેલ છે.