આજે નવમી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને અનુલક્ષીને આદિવાસી પરિવાર દ્વારા દાહોદ જીલ્લાના દાહોદ, ગરબાડા, ઝાલોદ, ફતેપુરા તેમજ લીમખેડા મુકામે વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે આજે સમાજની અસ્મિતા તેમજ સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ મહારેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
વિશ્વ આદિવાસી દિવસ ની પૂર્વ સંધ્યાય ગોધરા રોડ ખાતે આવેલાતાતીયા ભીલશેડ નીચે આદિવાસી સમાજના વડવાઓ દ્વારા ધૂણી ધખાવી ખત્રીઓનું પૂજન કરવામાં આવ્યું હતું. જ્યારે આજે આદિવાસી દિવસ નિમિત્તે દાહોદ શહેરમાં મુખ્યત્વે બે દિશાઓમાંથી સાંસ્કૃતિક મહારેલીની શરૂઆત થઈ હતી. પ્રથમ રેલી નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતેથી શરૂ થઈ હતી. જે બસ સ્ટેશન, સ્વામી વિવેકાનંદ સર્કલ, ચાર થાંભલા સર્કલ થઈ બિરસા મુંડા ચોક ખાતે પહોંચી હતી. જ્યારે બીજી મહારેલી શહેરના ગોધરા રોડ નાકાથી શરૂ થઈ ગોધરા રોડ, દેસાઈવાડ જનતા ચોક, હુસેની મસ્જિદ થઈ બિરસા મુંડા સર્કલ પાસે પહોંચી હતી.
જ્યાં બંને રેલીનું સમાગમ થયું હતું અને મહારેલી સ્વરૂપે આગળ વધી માણેકચોક, નગરપાલિકા, ગાંધી ચોક, જુની કોર્ટ રોડ, ફાયર સ્ટેશન, ઠક્કરબાપા સર્કલ થઈ તાલુકા પંચાયત કચેરી સામે આદિજાતિ ભવન ખાતે મહારેલીની પૂર્ણાહુતિ થઈ હતી. મહારેલીની શરૂઆત પૂર્વે આદિવાસી સમાજના વડવાઓ દ્વારા ખત્રી પૂજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આદિવાસી સમાજના આ તહેવારનો આરંભ થયો હતો. જેમાં બંને સ્થળે આદિવાસી સંસ્કૃતિ અને અસ્મિતાને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. તેમજ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા સમાજના ઉત્થાન તેમજ જલ, જંગલ, જમીનની રક્ષા કાજે સંબોધન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ મહારેલી ની શરૂઆત થઈ હતી.
આ મહારેલીની શરૂઆતમાં માજી સૈનિક સંગઠનના નિવૃત્ત આર્મી જવાનો દ્વારા પરેડ યોજવામાં આવી હતી. તેની પાછળ આદિવાસી સમાજના પહેરવેશ અને ઓજારોથી સજજ આદિવાસી સમાજના લોકોએ પરંપરાગત ઢોલ, ત્રાંસા, વાજિંત્રો, વાંસળીની સુમધુર સુરાવલીઓ રેલાવી હતી. તેની પાછળ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના યુવાનો, વૃદ્ધો, વડીલો, મહિલાઓ વગેરે પરંપારિક હેરવેશમાં ટીમલી નૃત્ય સાથે આ તહેવારની ધામધૂમથી ઉજવણી કરી હતી. સમગ્ર મહારેલી દરમિયાન વિવિધ પ્રકારના સંદેશાઓ આપતા ટેબ્લોએ મહારેલીની શોભા વધારી હતી.
જેમાં આદિવાસી સમાજનું કલ્ચર, સંસ્કૃતિ તેમના ઓજારો, તેમની રહેણીકરણી, શિક્ષણ, આરોગ્ય તેમજ સિકલ સેલ ની બીમારીથી જાગૃત કરવા કલાકૃતિ દર્શાવતા ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા. તો સાથે સાથે પોલીસ તંત્ર દ્વારા પણ સાયબર ક્રાઇમ ટ્રાફિકની અવરનેસ, આરટીઓના નિયમો દર્શાવતા ટેબ્લો પણ આ મહારેલીમાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત વિવિધ સમાજ દ્વારા મહારેલીનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે સાથે ખાણીપીણીના સ્ટોલ પણ સેવાભાવી સંસ્થા તેમજ જાગૃત નાગરિકો દ્વારા મારેલીના રૂટ પર ઉભા કરવામાં આવ્યા હતા. સમગ્ર રેલી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તથા કોઈપણ પ્રકારની અગવડ ન પડે તેને અનુલક્ષીને આદિવાસી પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવેલા 600 જેટલા સ્વયંસેવકોએ તથા દાહોદ એસપી ડો.રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનમાં પોલીસ અધિકારીઓ તેમજ જવાનોએ દરેક પોઇન્ટ પર, ધાબા પોઇન્ટ પર તથા ડ્રોન કેમેરાના માધ્યમથી પેટ્રોલિંગ કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં 50 હજારથી પણ વધુ જનમેદની ઊમટી પડી હતી.