દાહોદ જીલ્લામાં વાહન ચાલકોની ગફલતને કારણે જુદી જુદી જગ્યાએ બનેલ હીટ એન્ડ રનની ઘટનાઓમાં બે યુવાનોના સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવે તે પહેલાં જ સ્થળ પર મોત નિપજ્યા

દાહોદ, દાહોદ જીલ્લામાં બનેલ હીટ એન્ડ રનની બે ઘટનાઓ પૈકીની એક ઘટના લીમડી-ઝાલોદ બાયપાસ રોડ પર સતી તોરલ હોટલ પાસે મોડી સાંજના પોણા સાત વાગ્યાના સુમારે બનવા પામી હતી. જેમાં ફતેપુરાના મોટી રેલ પૂર્વ ગામના તીખી ફળિયામાં રહેતા અનીલભાઈ દલજીભાઈ મહીડા પોતાની તદ્દન નવી ટીવીએસ મોટર સાયકલ લઈ દાહોદથી પરત ઘરે જઈ રહ્યા હતા તે દરમ્યાન સતી તોરલ હોટલ પાસે પુરપાટ દોડી આવતું અજાણ્યું વાહન અનીલભાઈ મહિડાની નવી મોટર સાયકલને જોશભેર ટક્કર મારી નાસી જતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટર સાયકલ પરથી ફંગોળાઈને રોડ પર પટકાયેલા અનીલભાઈને કપાળના ભાગે તથા માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવે તે પહેલા જ તેને સ્થળ પર દમ તોડી દીધો હતો. આ સંબંધે દાહોદ તાલુકા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે જીલ્લામાં હીટ એન્ડ રનની બીજી ઘટના ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામે બોરસદ ફળિયામાં રોડ પર રાત્રીના સાડા આઠ વાગ્યાના સુમારે બનવા પામી હતી જેમાં પુરપાટ દોડી આવતા અજાણ્યા વાહન ચાલકે તેના કબજાનું વાહન પુરઝડરપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી ચાકલીયા નાની મહુડી ફળિયામાં રહેતા ક્રિશ્ર્નારાજુ રસુભાઈ ડામોરની યામાહા કંપનીની મોટર સાયકલ સાથે સામેથી ધડાકાભેર અથડાવી નાસી જતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટર સાયકલ ચાલક ક્રિશ્ર્નરાજ રસુભાઈ ડામોરને મોઢા ઉપર કપાળમાં છાતીના ભાગે, નાક ઉપર તેમજ જમણા પગે ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવે તે પહેલાં જ તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ સંબંધે ચાકલીયા નાની મહુડી ફળિયાના મરણ જનાર ક્રશ્ર્નારાજ રસુભાઈ ડામોરની વિધવા માતા ચંદનબેન રસુભાઈ ઝીથરાભાઈ ડામોરે નોંધાવેલી ફરિયાદને આધારે ચાકલીયા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.