દાહોદ,
દાહોદ જિલ્લામાં આગામી તા. 14 માર્ચથી 29 માર્ચ દરમ્યાન ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ યોજાશે. પરીક્ષામાં ગેરરીતિ ના થાય એ માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એ.બી. પાંડોરે કેટલાંક પ્રતિબંધાત્મક આદેશો કર્યા છે.
તદ્દનુસાર, પરીક્ષાના સ્થળની 200 મીટર સુધીના વિસ્તારમાં બિનઅધિકૃત વ્યક્તિએ પરીક્ષા દરમ્યાન તથા પરીક્ષાના સમયથી એક કલાક પહેલા અને પરીક્ષા પૂરી થયા પછીના એક કલાક સુધી આવ જા ઉપર ફોજદારી કાર્યરીતિ અધિનિયમ મુજબ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
પરીક્ષા કેન્દ્રની કમ્પાઉન્ડ વોલની બહારના સ્થળે વસવાટ કરતા કે તે રસ્તેથી પસાર થતા નાગરિકોને માત્ર પસાર થવા દેવાશે. ત્યાં ઉભું રહી શકાશે નહી. પરીક્ષા દરમ્યાન કોઇ એ પણ સવારના 9 થી સાંજના 19 કલાક સુધી પ્રવેશ કરવો નહીં. જયાં કમ્પાઉન્ડ વોલ નથી ત્યાં પરીક્ષા કેન્દ્રના મકાનની બહારની દિવાલથી 10 મીટરની અંદર પ્રવેશ કરી શકાશે નહીં અથવા એકઠાં થઇ શકાશે નહીં. પરીક્ષા સમય દરમ્યાન કોઇ પણ વાજિંત્ર વગાડવા નહીં કે વગાડવા માટેની મંજૂરી આપી શકાશે નહીં. આ હુકમનું ઉલ્લઘંન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.