- મોટાભાગના શાકભાજી સરેરાશ 20 રૂપિયા કિલો ની આસપાસ..
- લગ્નસરાની મોસમ શરૂ થઈ હોવાથી કેટરિંગ વાળાઓને પણ શાકભાજીના ભાવના ઘટાડાથી રાહત થઈ.
દાહોદ,
દાહોદ જિલ્લામાં શિયાળાની અસલી મિજાજરૂપ ઠંડીનો ચમકારો વધતાની સાથે જ લીલોતરી શાકભાજીની આવકમાં વધારો થતા લીલોતરી ના ભાવમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. જેના પગલે મોટાભાગના શાકભાજી સરેરાશ 20 રૂપિયા કિલો ની આસપાસ વેચાઈ રહ્યા છે. ડિસેમ્બર અગાઉ જ શિયાળાના અસલી મિજાજ રૂપ ઠંડીના ચમકારાનો અનુભવ થઈ રહ્યો છે. જોકે દિવસ દરમિયાન બપોરના સુમારે થોડી ગરમીનો અનુભવ પણ જરૂર થઈ રહ્યો છે.
શિયાળો જામતા જ હવે લીલોતરી શાકભાજીની આવકમાં વધારો નોંધાયો છે.જેની સીધી અસર ભાવ પર પડેલી જોવા મળી રહી છે. રીંગણ,કોબીજ, ફ્લાવર, મેથીની ભાજી, તુવેર,વટાણા, ટામેટા જેવી શાકભાજી સરેરાશ 20 રૂપિયે પ્રતિ કિલો વેચાતા જોવા મળે છે. જેથી ગરીબ મધ્યમ વર્ગને સારી એવી રાહતનો અનુભવ થઈ રહ્યો છે. વળી શિયાળામાં લીલા શાકભાજી ખાવા સ્વાસ્થ્ય માટે સારા હોય છે. તેથી લીલોતરીના શોખીનો હવે ગેલમાં આવી ગયા છે. ખાસ કરીને હવે લગ્નસરાની મોસમ શરૂ થઈ ગઈ હોવાથી કેટરિંગવાળાઓને પણ શાકભાજીના ભાવના ઘટાડાથી રાહત થઈ છે. વળી મેથીના ભજીયા અને ઊંધિયું ખાનારા શોખીનો હવે તેનો ટેસ્ટ માણી શકશે. રીંગણ, મેથીની ભાજી,ફ્લાવર કોબીજ, સહિત શાકભાજીના ભાવ સરેરાશ પ્રતિ કિલો 20 રૂપિયા થઈ ગયો છે. જેના કારણે મોંઘાટ કઠોળ ખાવા કરતાં હવે લોકો શાકભાજીની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. આમ શાકભાજીના ભાવ ઘટતા મધ્યમ વર્ગને ખાશી રાહત થઈ હોવાનું જાણવા મળ્યું છે. જોકે અત્રે ઉલ્લેખનીય છે કે શાકભાજી જ્યાંથી આવે છે તેવા ગામડાના ખેડૂતોને પોષણશમ ભાવ મળતા ન હોવાથી ખેડૂતોને માર પડી રહ્યો છે. ખેડૂતોને પોતાના માલ પાણીના ભાવે વેચવાની નોબત આવી રહી છે. જેથી ખેડૂતોમાં વ્યાપક અસંતોષ પણ જોવા મળી રહ્યો છે. કેટલાક ખેડૂતો હવે શહેરમાં સીધા જ શાકભાજીનું વેચાણ કરતા જોવા મળી રહ્યા છે. જેનો સીધો ફાયદો ગ્રાહકોને પણ થઈ રહ્યો છે. અને નાગરિકોને ગુણવત્તાયુક્ત શાકભાજી પણ મળી રહી છે.