દાહોદ,દાહોદ જિલ્લામાં પુરવઠા વિભાગ દ્વારા વ્યાજબી ભાવની દુકાનોમાં વિવિધ ટીમો દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. જેમાં ત્રણ તાલુકાઓમમાંથી ત્રણ દુકાનોના પરવાના સસ્પેન્ડ કરાતા કાળા બજારીયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
દાહોદ જિલ્લામાં આવેલી સસ્તા અનાજની દુકાનોની જિલ્લામાં આકસ્મિક તપાસણી દરમિયાન દાહોદ તાલુકાના ખરોદા ગામે આવેલ ભાભોર લલિતકુમાર ખુમસીંગની દુકાનમાં દાહોદના મામલતદાર મનોજ મિશ્રા દ્વારા તપાસણી હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં મળી આવેલ અનાજના જથ્થામાં 2408 કિ.ગ્રા.ધઉં તથા 2540 કિ.ગ્રા.ચોખા વજનની ધટના આધારે હાલ દુકાન 90 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવી છે. તેવી જ રીતે ફતેપુરા તાલુકાની મોટીરેલ પુર્વ ખાતે આવેલી જે.પી.કલાલ દ્વારા સંચાલિક દુકાનમાં અનાજના જથ્થામાં ધઉંમાં 73,500 કિ.ગ્રા.ધટ તથા 1900 કિ.ગ્રા.વધ તથા ચોખામાં 44,500 કિ.ગ્રા.ધટ તથા 2450 કિ.ગ્રા.વધ મળી આવતા 90 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવી છે. જયારે ગરબાડા તાલુકાના નીચમ ગામે આવેલી અમલીયાર ભરતભાઈ નાનાભાઈ દ્વારા સંચાલિત દુકાનમાં અનાજના જથ્થામાં 526 કિ.ગ્રા.ધઉં તથા 647 કિ.ગ્રા.ચોખા વજનની ધટ મળી આવતા 60 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવી છે. સસ્પેન્ડ કરાયેલી દુકાનોની આગામી સમયમાં સુનાવણી રાખી નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે. પાડોશી પંચમહાલ જિલ્લામાં વ્યાપક ગેરરિતીઓ જણાતા 9 કાળા બજારીયાઓને પાસામાં ધકેલી દેવામાં આવ્યા છે.