દાહોદ,આઝાદીના સાડા સાત દાયકા વીતી ગયા છતાં આદિવાસી બાહુબલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં મોટા ઉદ્યોગો તેમજ સિંચાઈની સુવિધાઓના અભાવે જિલ્લામાં ઘર આંગણે રોજીરોટી ન મળતા જિલ્લાનો આદિવાસી પોતાના ઢોર ઢાખર તથા પોતાનું ખોરડું ભગવાન ભરોસે મૂકી રાજ્યમાં અન્ય સ્થળે કુટુંબ કબીલા સાથે સ્થળાંતર કરી જઈ રહ્યા છે. આવી દારૂણ સ્થિતિ માટે જવાબદાર કોણ ? આ પ્રશ્ન આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ટાણે ખડો થઈ રહ્યો છે. ત્યારે આજના શાસન કરતા હોવા ગંભીર પ્રશ્ન પર ચર્ચા કરવાને બદલે આ પ્રશ્નથી દૂર ભાગતા જોવા મળી રહ્યા છે.
દાહોદ જિલ્લો આદિવાસી ધરાવતો જિલ્લો છે. આ જિલ્લામાં આઝાદીના સાડા સાત દાયકાના સમયકાળમાં મોટાભાગના ધારાસભ્યો તેમજ સાંસદ પણ તે જ સમાજ માંથી આવ્યા છે, તેમ છતાં જિલ્લાની આદિવાસી પ્રજાને સિંચાઈની સુવિધા પ્રદાન કરવામાં વામણા પુરવાર થયા છે. જિલ્લાનો ખેડૂત વરસાદી ખેતી પર જ આધાર રાખીને બેઠો છે. વરસાદની સિઝન પૂરી થતાં જ તે પોતાના કુટુંબ કબીલા સાથે પેટીયુ રડવા રાજ્યમાં અન્યત્ર સ્થળે નીકળી પડે છે. જેના કારણે તેના સંતાનો શિક્ષણથી વંચિત રહી જાય છે, તે પણ એક સનાતન સત્ય છે. આ માટે આજ દિન સુધી જિલ્લામાં સાંસદની ખુરશી શોભાવતા નેતાઓએ કદી વિચાર કર્યો છે ખરો ?
દાહોદ જિલ્લાની કુલ વસ્તી આશરે 21 લાખ જેટલી છે. જેમાં 15 લાખ મતદારોમાંથી 2.37 લાખ લોકો રોજીરોટી માટે રાજ્યમાં અન્ય સ્થળે સ્થળાંતર કરી જાય છે. એક સર્વે મુજબ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા માંથી 38,196, ઝાલોદ તાલુકા માંથી 40,705, લીમખેડા તાલુકા માંથી 33,424, દાહોદ તાલુકા માંથી 41,765, ગરબાડા તાલુકા માંથી 43,546 તથા દેવગઢબારિયા તાલુકા માંથી 39,912 લોકો રોજી રોટી માટે રાજ્યમાં અન્યત્ર સ્થળાંતર કરી જાય છે. આમાં સૌથી વધુ સ્થળાંતર ગરબાડા તાલુકામાં થતું જોવા મળી રહ્યું છે. કારણ કે, ત્યાં પિયત પાણીની સુવિધાના સદંતર અભાવને કારણે ખરીફ પાક પણ તેઓ લઈ શકતા નથી. જેથી વરસાદી સીઝન પૂરી થતાં જ રોજીરોટી માટે રાજ્યમાં અન્યત્ર સ્થળાંતર કરી જાય છે.
દાહોદ જિલ્લામાં મોટા ઉદ્યોગોની જરૂર છે અને વર્ષોથી આ માંગ પણ અવારનવાર ઉઠી છે. અને નેતાઓ દ્વારા પોતાના ભાષણમાં અવારનવાર આ મુદ્દાને સ્થાન તો જરૂર આપવામાં આવ્યું છે. પરંતુ તે પોતાના ભાષણો પૂરતું જ સીમિત રહી જાય છે. આ રોજી રોટી માટે સ્થળાંતર કરી જવાની સમસ્યા દાહોદ જિલ્લા માટે કાંઈ નવી નથી. આ સમસ્યા વર્ષો જૂની છે. કોંગ્રેસ પક્ષના દાહોદના સાંસદ સોમજીભાઈ ડામોરે સાત ટર્મ સુધી સાંસદ પદે પોતાનું આધિપત્ય જાળવી રાખ્યું હતું. પરંતુ આ સ્થળાંતરના પ્રશ્નને ઉકેલવાનો કે તેના સમાધાનનો કોઈ માર્ગ કાઢવાનો કોઈ પ્રયાસ કર્યો હોય તેવું લાગતું નથી. ત્યારબાદ હાલના દાહોદના સાંસદ સતત બે ટર્મથી સાંસદપણુ ભોગવી રહ્યા છે. આ અગાઉ તેઓ ધારાસભ્ય પદે પણ ચાર ટર્મ રહી ચૂક્યા છે. તેઓ બબ્બે વાર રાજ્યમંત્રી અને એકવાર કેન્દ્રીય મંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે. જિલ્લાના વિકાસની સદા ઝંખના રાખનાર સાંસદ પણ દાહોદ જિલ્લાનો માઈગ્રેશનનો આ ગંભીર મામલો ઉકેલવામાં સદંતર નિષ્ફળ સાબિત થયાના જિલ્લામાં ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. કારણકે પોતાના માદરે વતન અને મતક્ષેત્ર એવા લીમખેડા તાલુકા માંથી 33,424 જેટલા લોકોને રોજી રોટી માટે રાજ્યમાં અન્યત્ર સ્થળાંતર કરી જતા અટકાવવામાં નિષ્ફળ સાબિત થયા છે.