દાહોદ, દાહોદ જીલ્લામાં છેલ્લા બે, ત્રણ દિવસથી વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા મળતું હતું. ત્યારે ગતરોજ રાત્રીના અગીયારેક વાગ્યાના આસપાસ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. પવનના સુસવાટા તેમજ ઘણા સ્થળોએ વાળાઝોડું તેમજ વીજળીના કડાકા ધડાકા પણ જોવા મળ્યાં હતા. જેને પગલે કેટલાંક વિસ્તારના કાચા પતરાવાળા મકાનોના પતરા પણ ઉડી ગયાં હતા. જ્યારે કેટલીક જગ્યાએ વૃક્ષ ધરાશાઈ થઈ જવાની ઘટના પણ બની હતી પરંતુ આવા બનાવમાં સદ્નસીબે કોઈ પ્રકારની જાનહાની થવા પામી ન હતી. રાત્રીના સમયે શરૂં થયેલ આ વરસાદ વહેલી સવારના 03 વાગ્યા સુધી ઝરમર ઝરમર વરસ્યો હતો. છેલ્લા ઘણા સમયથી અસહ્ય ગરમીથી લોકોને મહદઅંશે રાહત મળી હતી, તો બીજી તરફ વહેલી સવારે સુર્યનારાયણના દર્શન થતાં અને રાબેતા મુજબ સુર્યનારાયણે આખો દિવસ દર્શન દેતાં અસહ્ય ગરમી તેમજ બફારાથી લોકો ત્રાહિમામ્ પોકારી ગયાં હતાં. અમદાવાદ જેવા શહેરોમાં ગતરોજ ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ ગઈ હતી. આ વખતે ચોમાસુ વહેલુ હોવાનું પણ હવામાન વિભાગ દ્વારા કહેવાઈ રહ્યું છે અને પાંચમી જુનથી રાબેતા મુજબ ચોમાસુ બેસી જવાની પણ આગાહી કરવામાં આવી છે. દાહોદ શહેરમાં ગતરોજ વરસાદી માહૌલ વચ્ચે શહેર સહિત આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતાં આખી રાત લોકોને અંધારામાં અને ગરમીમાં પસાર કરવાનો વારો આવ્યો હતો. એમ.જી.વી.સી.એલ. પ્રિમોનસુનની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠવા પામ્યાં હતાં. દાહોદની શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારની એમ.જી.વી.સી.એલ.ની કચેરીઓના સત્તાધીશો વીજ પુરવઠો ઠપ્પ થઈ જતાં ઓફિસના લેન્ડલાઈન સંપર્ક નંબરો પણ બંધ આવતાં હોય અને રીસીવર સાઈડમાં મુકી દેતાં હોવાની ગ્રાહકોમાં ફરિયાદો સાથે ભારે આક્રોશ જોવા મળ્યો હતો.