દાહોદ જિલ્લામાં મોટાભાગના લોકોએ રક્ષાબંધન પર્વ ધામધુમથી ઉજવ્યો

દાહોદ,શ્રાવણ સુદ પૂનમના દિવસે ઉજવવામાં આવતા ભાઈ બહેનના પવિત્ર બંધનને અકબંધ રાખતા રક્ષાબંધનનો તહેવાર આદિ કાળથી હિંદુ સંસ્કૃતિ મુજબ સમગ્ર દેશભરમાં ઉજવાય છે. રક્ષાબંધનના પવિત્ર તહેવારને નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખાય છે. પરંતુ આજે ભદ્રાના ઓછાયા હેઠળ વિરલાની રક્ષા કાજે રાખડીનો તાતણો બાંધવા બહેનોએ પોતાના ભાઈઓને રાખડી બાંધી હતી. દાહોદમાં નિત નવી આંખે ઉડીને વળગે તેવી રાખડીઓનું ધૂમ વેચાણ થયું હતું. પરંતુ આ વર્ષે પૂર્ણિમા તિથિ બે દિવસ તથા ભદ્રાનો ઓછાયો હોવાના કારણે રક્ષાબંધન ક્યારે ઉજવવામાં આવશે, તેને લઇને લોકોમાં મૂઝવણમાં હતા. ત્યારે મોટા ભાગના લોકોએ આજે રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી ઉજવ્યો હતો.

આમ તો રક્ષાબંધનનો તહેવાર માત્ર રાખડી પૂરતો સીમિત રહેતો નથી. રક્ષાબંધનના તહેવાર થી શ્રાવણી મેળાઓની વિધિવત શરૂઆત થઈ જતી હોય છે જો કે સમયના વહેણમાં હવે દાહોદ શહેરમાં પણ મેળાઓનું અસ્તિત્વ લગભગ નામસેસ થઈ જવા પામ્યું છે. મેળાઓનું સ્થાન અન્ય જગ્યાએ લઈ લીધું છે. હિન્દુ ધર્મમાં ઉજવાતા મોટાભાગના તહેવારો પાછળ દંતકથા કે પૌરાણિક કથાઓ અવશ્ય જોડાયેલી રહી હોય તેમ રક્ષાબંધન તહેવાર પાછળ પણ પૌરાણિક કથા સંકળાયેલી છે. ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક માનવામાં આવતા રક્ષાબંધનના તહેવાર સાથે આધુનિક યુગમાં ધંધાકીય અભિગમ પણ વિશેષ પ્રમાણમાં જોવા મળી રહે છે. પહેલા સૂત્રનો એક તાંતણો રક્ષાનું સ્થાન લેતો હતો હવે જ્યારે મોંઘા ભાવની રંગબેરીંગ રાખડીયો બજારમાં જોવા મળી હતી સાથેસાથે મીઠાઈ અને ફરસાણની દુકાનો પર પણ ભારે ભીડ જોવા મળી હતી ત્યારે આજરોજ બહેનોએ પોતાના ભાઈઓને રાખડી બાંધી હતી અને મોં મીઠુ કરાવ્યું હતું. દાહોદના બજારોમાં રાખડીઓની નાની મોટી દુકાનો ઉપર રાખડી ખરીદનારઓની ભીડ જોવા મળી હતી. મીઠાઈ વાળાઓની દુકાન ઉપર પણ ભીડ જોવા મળી રહી છે જ્યારે બ્રાહ્મણ બંધુંઓ એ પણ પોતાના ઈષ્ટદેવના મંત્રોચ્ચાર કરી જનોઈ બદલવાનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે પૂર્ણિમા તિથિ બે દિવસ તથા ભદ્રાનો ઓછાયો હોવાના કારણે રક્ષાબંધન ક્યારે ઉજવવામાં આવશે, તેને લઇને લોકોમાં મૂઝવણ હતા. જ્યોતિષાચાર્યોનું કહેવું છે કે 30 ઓગસ્ટની રાત અને 31 ઓગસ્ટની સવારે રક્ષાબંધનનો તહેવાર ઉજવવો શુભ રહેશે.જોકે ભદ્રા દરમિયાન રાખડી બાંધવી અશુભ છે. તેવામાં ભદ્રા સમાપ્ત થયા બાદ જ રક્ષાબંધન ઉજવવી જોઇએ. તેવામાં પંડિતોનો અભિપ્રાય અલગ અલગ હોવાના કારણે બીજા દિવસે સવારે 7 વાગીને 37 મિનિટ સુધી રક્ષાબંધન ઉજવી શકાશે. પરંતુ દાહોદ સહિત આસપાસના વિસ્તારોમાં મોટાભાગના લોકોએ આજે જ રાખડી નો તહેવાર ધામધૂમથી ઉજવી લીધો હતો. તો ઘણાખરા પરિવારો જે જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુમાં માને છે તેઓએ આજના દિવસે રાખડીનો તહેવાર મનાવવાનું ટાળ્યું હતું. તેઓ આવતીકાલે રાખડીનો તહેવાર પરિવારની સાથે ઉજવશે તેવું પણ જોવા મળી રહ્યું છે.