દાહોદ,
દાહોદ જિલ્લામાં આગામી તા. 5 ડિસેમ્બરે મતદાન યોજાવાનું છે. ત્યારે જિલ્લાના 15.83 લાખથી વધુ મતદારો માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મથકે વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જેથી તેઓ સરળતાથી મતદાન કરી શકે. જિલ્લાના કોઇ પણ લાયક મતદાર તે વૃદ્ધ હોય, દિવ્યાંગ હોય તમામ મતદારો માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક મતદાન મથકે પ્રાથમિક સારવાર સહિતની તમામ વ્યવસ્થાઓ જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવીના માર્ગદર્શનમાં ઉભી કરાઇ છે.
જિલ્લામાં કુલ 1662 મતદાન મથકો છે અને 1155 મતદાન મથક લોકેશન છે. જે પૈકી 124 મતદાન મથક શહેરી વિસ્તારના છે. જેના 55 લોકેશન છે. જયારે 1538 મતદાન મથકો ગ્રામ્ય વિસ્તારના છે. જેના 1102 લોકેશન છે. આ તમામ મતદાન મથકોએ મતદારો સરળતાથી મતદાન કરી શકે એ માટેની વ્યવસ્થાઓ કરાઇ છે. આ ઉપરાંત દરેક વિધાનસભા મતવિસ્તારમાં આદર્શ મતદાન મથક, સખી મતદાન મથક, ઇકો ફ્રેન્ડલી મતદાન મથક, પીડબલ્યુડી પોલીગ સ્ટેશન પણ ઉભા કરાયા છે. દેવગઢ બારીયા ખાતે યુવા મતદાન મથક પણ ઉભું કરાયું છે જયાં 25 વર્ષથી નીચેના યુવાઓ દ્વારા સંચાલન કરાશે.
તમામ મતદાન મથકે પીવાના પાણી, શૌચાલય સહિતની પાયાની સુવિધાઓ ઉભી કરાઇ છે. તેમજ હેલ્પડેસ્ક ઉપરથી મતદારને તમામ માહિતી પણ મળી રહેશે. કોઇ દિવ્યાંગ મતદાર હોય તો તેના માટે વ્હીલચેર સહિતની વ્યવસ્થા કરાઇ છે. તેમજ PwD-Personal with Disablility મોબાઈલ એપની પણ દિવ્યાંગો મતદાર મદદ લઇ શકે છે. દિવ્યાંગ મતદારોને આ એપ્લિકેશનના માધ્યમથી ઘરે બેઠા ઉપયોગી માહિતી મળી શકશે. દિવ્યાંગ મતદારો પોતાના ઉપયોગ માટે વ્હિલચેરની વિનંતી કરી શકશે.
દરેક મતદાન મથકે મતદાર માટે જરૂરી સાઇનેઝની વ્યવસ્થા કરાઇ છે. જેથી તેઓ ઝડપથી મતદાન કરી શકે. મતદાન મથકે કોઇ મતદારને આકસ્મિક સારવારની જરૂર પડે તો પ્રાથમિક સારવારની કીટ પણ તૈયાર રખાઇ છે. તેમજ હેલ્પડેસ્ક ઉપરથી મતદાર મુંઝવણમાં હોય તો માર્ગદર્શન પણ મેળવી શકે છે.
મતદારોએ મતદાન વખતે ચૂંટણી કમિશન દ્વારા નક્કી કરાયેલા 12 પૂરાવા પૈકીનો કોઇ એક અસલ પુરાવો સાથે રાખવાનો રહેશે. મતદારે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે, મતદાન વખતે તેઓ પોતાની સાથે મોબાઇલ રાખી શકશે નહી જેથી આ અંગે અગાઉથી જ યોગ્ય વ્યવસ્થા કરી લે. મતદાન કરતી વખતે મતદાનની ગુપ્તતાની જાળવવી પણ ખૂબ જરૂરી છે. પોતે જેને મત આપ્યો હોય તે જાહેર કરવું એ ગુનાહિત કૃત્ય છે. તેમજ મતદાન કર્યા પછી શક્ય એટલી ઝડપથી મતદાન મથક છોડી દેવાનું રહેશે. સીઆરપીસી 144 નું જાહેરનામું લાગું થયું હોવાથી મતદાન મથકના 200 મીટરના વિસ્તારમાં ભીડ એકઠી ના થાય એ માટે એે જરૂરી છે.
મતદાન કરવા માટે માત્ર મતદાર ફોટો ઓળખકાર્ડ(EPIC) પૂરતું નથી. મતદાર યાદીમાં મતદારનું નામ હોવું જરૂરી છે. એટલું જ નહિં, ગુજરાત વિધાનસભાની આ ચૂંટણીમાં મતદાન માટે મતદારની ઓળખ પ્રસ્થાપિત કરવા માત્ર વોટર ઈન્ફર્મેશન સ્લીપ ઉપયોગમાં લઈ શકાશે નહિં.
મતદાર ફોટો ઓળખપત્ર(એપીક કાર્ડ)ની અવેજીમાં આધાર કાર્ડ, મનરેગાના જોબ કાર્ડ, બેન્ક કે પોસ્ટ ઓફિસની ફોટોગ્રાફ્સ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલય હેઠળ આપવામાં આવેલા હેલ્થ ઈન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, પાનકાર્ડ, એન.પી.આર. અંતર્ગત આર.જી.આઈ. દ્વારા આપવામાં આવેલું સ્માર્ટ કાર્ડ, ભારતીય પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શનના દસ્તાવેજ, કેન્દ્ર/રાજ્ય સરકાર/જાહેર ક્ષેત્ર/ જાહેર લિમીટેડ કંપનીઓએ કર્મચારીઓને ઈસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, સંસદસભ્યો/ધારાસભ્યો/વિધાન પરિષદના સભ્યોને ઈસ્યુ કરેલાં સરકારી ઓળખપત્રો, યુનિક ડિસએબિલીટી આઈ-કાર્ડ તથા બિન નિવાસી ભારતીયોઓની જો મતદાર તરીકે નોંધણી થઈ હોય તો, તેઓ મતદાન મથકે અસલ પાસપોર્ટ રજૂ કરીને પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી મતદાન કરી શકશે.