દાહોદ, લોકસભા સામાન્ય ચૂંટણી-2024 નું મતદાન દાહોદ જીલ્લામાં તારીખ 07-05-2024 ના રોજ થનાર છે. આ ચૂંટણી દરમિયાન મતદાન મુકત, ન્યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તે જોવાનો ચૂંટણીપંચનો અભિગમ રહેલો છે. આ ઉપરાંત આદર્શ આચાર સંહિતાનું પાલન થાય અને ખર્ચ ઉપર નિયંત્રણ તથા દેખરેખ જળવાઈ રહે તે જરૂરી છે. મતદાન મથકોની આસપાસના વિસ્તારમાં મતદાન પૂરૂં થવાના 48 કલાક પહેલાં જાહેર સભાઓ અને ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ ફરમાવવો જરૂરી જણાય છે.
મતદાન મથકોની આસપાસના વિસ્તારમાં જાહેર શાંતિ, સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી કેટલાક કૃત્યો ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ જે. એમ. રાવલ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ નીચેના કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
19-દાહોદ (અ.જ.જા)સંસદીય મતવિસ્તારમાંથી મતદાન પુરૂં થવાના સમય પહેલાના 48 કલાક એટલે કે, તા.05.05.2024ના સાંજના 18:00 કલાકથી સંસદીય વિસ્તાર બહારથી ચૂંટણી પ્રચાર વગેરે માટે આવેલ વ્યક્તિઓ જે આ વિસ્તારના મતદાર ન હોય તેઓએ સંસદીય મત વિસ્તાર છોડી દેવાનો રહેશે. ચૂંટણી સબંધમાં કોઈ જાહેરસભા બોલાવશે નહીં, યોજશે નહીં, સંબોધન કરશે નહીં કે સરઘસ કાઢશે નહીં. સિનેમેટોગ્રાફ, ટેલીવિઝન, એલ.ઈ.ડી. અથવા આવા અન્ય સાધનોની સહાયથી ચૂંટણી સામગ્રી જાહેરમાં પ્રદર્શિત કરશે નહીં. મતદાન વિસ્તારમાં જાહેર જનતાને આકર્ષવાની દ્રષ્ટિએ જાહેરમાં કોઇ સંગીતનો જલસો, થીએટરનો કાર્યક્રમ, કોઇ મનોરંજન કાર્યક્રમ યોજીને કે યોજવા માટેની વ્યવસ્થા કરી આપીને ચૂંટણી પ્રચાર કરશે નહીં કે ચૂંટણીના પરિણામ પર અસર કરે તેવા ઇરાદાવાળી કોઈ પ્રવૃતિ કરશે નહીં.
ઉક્ત પ્રતિબંધાત્મક હુકમનો ભંગ કરનારી અથવા ઉલ્લંઘન કરનારી વ્યક્તિ ભારતના ફોજદારી અધિનિયમની કલમ -188 તેમજ લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ – 126 મુજબ શિક્ષાને પાત્ર થશે.