દાહોદ,દાહોદ જીલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈ તંત્ર સજ્જ છે. મતદાન મથકોને લઇને પણ તૈયારીઓ અંતિમ ચરણમાં ચાલી રહી છે. આ માટે અંતરિયાળ વિસ્તારમાં કેટલાક પડકારનો પણ સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે જ ચૂંટણી પ્રક્રિયાને લઈને પણ કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે ચાલે તેવા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. જોકે, કેટલાક વિસ્તારોમાં ચૂંટણીને વખતે કેટલાક પડકારોને પણ તંત્રએ ઝીલવાના છે. જેમાંનો એક પડકાર શેડો એરિયાની સમસ્યાનો છે. દાહોદ જીલ્લામાં ક્યાંક જંગલ વિસ્તાર છે તો ક્યાંક ડુંગરાળ વિસ્તાર પણ છે. આવા સ્થળોએ મોબાઇલ ફોનના નેટવર્કનો અભાવ છે. જેથી લોકસભાની ચુંટણી દરમિયાન આવા જંગલ વિસ્તાર કે ડુંગરાળ વિસ્તારમાં મતદાન મથક ઉપરથી મતદાનના આંકડા મેળવવા તેમજ અન્ય કોઈ પણ માહિતી મેળવવી હોય કે સંદેશો પહોંચાડવો હોય તો સમસ્યા સર્જાઈ શકે છે. જેથી જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આવા મતદાન મથકોને અલગ તારવવામાં આવ્યા છે. દાહોદ ચૂંટણી પંચે આવા મતદાન મથકોની અલગ યાદી તૈયાર કરી તેમને શેડો એરીયામાં સ્થાન આપ્યું છે. જોકે, અહીં સૌથી મોટા પડકાર પૈકી એક મોબાઈલ નેટવર્કનો સામે આવ્યો છે. જીલ્લાના 14 ગામના મતદાન મથકો ઉપર મોબાઇલ ટાવરનું નેટવર્ક નહીં હોવાને કારણે તેમને વાયરલેસ સિસ્ટમથી સજ્જ કરી સમગ્ર ચૂંટણી પાર પાડવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યુ છે.
BSNL દ્વારા એક સર્વે કરાયો છે અને સરકારના સેચુરેશન પ્રોજેક્ટ અંતર્ગત હવે અહીં ટાવર નાખવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યુ છે.
અલગ ચેનલ બનાવવી પડશે….
વાયરલેસ સેટ ઉભા કરવા માટે એક અલગ ચેનલ બનાવવી પડશે. આ ચેનલનો નંબર અપાશે તેની ઉપરથી જ માહિતીની આપ-લે થશે. શેડો એરિયામાં મતદાન મથકે મુકવામાં આવેલા વાયરલેસ સેટ પોલીસ કંટ્રોલરૂમ અને ચૂંટણીના કંટ્રોલરૂમ સાથે કનેક્ટ હશે. ચૂંટણીના કંટ્રોલરૂમમાં પણ વાયરલેસ સેટ હેન્ડલ કરવા માટે એક ઓપરેટર બેસાડવો પડશે.
દાહોદ જીલ્લાના મતદાન મથક ટાવર વિહોણા છે……
ફતેપુરા તાલુકાના ગઢરા-1 અને ગઢરા-2 સાથે લીમખેડા તાલુકાનું સુરપુર-1, સુરપુર-2, આંબલિયા, મંડર-1, મંડર-2, સરજુમી-1, સરજુમી-2, કટારાની પાલ્લી, પામીવેલા, હીરાપુર, ફોફણ અને જાલિયાપાડામાં મોબાઇલ નેટવર્કની સમસ્યા હોવાને કારણે અહીં વાયરલેસ સેટ અને વોકીટોકીથી ચૂંટણીની કામગીરી પાર પાડવામાં આવશે.