સામાન્ય રીતે સરકારી કચેરીઓમાં અરજદારોને પોતાનું કામ કરાવવા માટે લાંચ આપવી પડતી હોય છે. લાંચ લેવા ટેવાયેલા સરકારી બાબુઓ નાણાં પડાવવા માટે જનતાને ધક્કા ખવડાવી હેરાન કરતાં હોય છે. ત્યારે સમય બચાવવા અને પોતાનું કામ કરાવવા માટે નાગરિકો થોડા ઘણા રૂપિયા આપી દેતા હોય છે પરંતુ લાલચી અધિકારીઓ જ્યારે વધારે પાડતી હેરાનગતિ અને વધુ નાણાંની માંગણી કરે ત્યારે કંટાળીને લોકો લાંચ રૂશ્વત વિરોધી શાખાનો સંપર્ક કરી તેમની શાન ઠેકાણે લાવતા હોય છે.
આ પ્રકારના એક નહીં પણ બે કિસ્સા દાહોદ જિલ્લામાં બનતા લાંચિયા બાબુઓમાં ફફડાટ ફેલાયો છે. સૌ પ્રથમ વાત કરીયે દાહોદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એક પારિવારીક ઝગડામાં બે ભાઈઓ વિરુદ્ધ અરજી આપવામાં આવી હતી અને અરજીની કાર્યવાહીના ભાગરૂપે જામીન પણ થઈ ગયા. ત્યારે ત્યાંના ASI એ જામીન કરવવાની અવેજ પેટે 10 હજારની માંગણી કરી હતી. જેથી અરજદારે એસીબીનો સંપર્ક કરતાં ગાંધીનગર એસીબીની ટીમે દાહોદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે છ્ટ્કુ ગોઠવ્યું હતું અને એએસઆઇ નારણ સંગાડા તેમજ પટાવાળા તરીકે ફરજ બજાવતા કનુ રાવતની 10 હજારની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી લઈ બંનેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે બીજા કિસ્સામાં ચાકલીયા પોલીસ સ્ટેશન ખાતે એએસઆઈ તરીકે ફરજ બજાવતા પ્રભુ સંગાડા એ એક અરજી મામલે બંને પક્ષ વચ્ચે સમાધાન કરાવવા માટે 25000 ની લાંચ માંગી હતી. ઓછા કરવાનું કહેતા છેલ્લે 20 હજારની માંગણી કરી હતી અને તે સમયે 5 હજાર રોકડા લઈ લીધેલા પરંતુ બાકીના 15 હજાર માટે ઉઘરાણી કરતાં ફરિયાદીએ દાહોદ એસીબીનો સપર્ક કર્યો હતો. જેથી આજે ચાકલીયા પોલીસ મથકે દાહોદ એસીબીની ટીમે છ્ટ્કુ ગોઠવી એએસઆઈ પ્રભુ સંગાડાને 15 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એક જ દિવસમાં જિલ્લા માથી બે એએસઆઇ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ જતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.