દાહોદ જિલ્લામાં જુદી જુદી જગ્યાએ બનેલા આત્મહત્યાના બે બનાવોમાં એક મહિલા સહિત બે જણાએ ગળે ફાંસો ખાઈ જીવતર ટુંકાવ્યું

દાહોદ,

પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ જિલ્લામાં આત્મહત્યાના બનેલા બે બનવો પૈકીનો એક બનાવ ગરબાડા તાલુકાના બોરીયાલા ગામે દિવાનીયા વાડ ફળિયામાં રાત્રીના સમયે બનવા પામ્યો હતો. જેમાં બોરીયાળા ગામના દિવાનીયા વાડ ફળિયામાં રહેતા 32 વર્ષીય મેગજીભાઈ મનુભાઈ ડામોરે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં આવેલ ઢાળીયામાં લોખંડની એંગલ પર નાયલોનની દોરી બાંધી નાયલોનની દોરી વડે ફાંસો ખાઈ જીવતર ટુંકાવ્યું હતું. આ સંબંધે બોરીયાળાના દિવાનીયા ફળિયાના મરણજનાર મેગજીભાઈ ડામોરના પિતા 55 વર્ષીય મનુભાઈ નાનજીભાઈ ડામોરે ગરબાડા પોલિસને જાણ કરતાં ગરબાડા પોલિસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મરણજનાર મેગજીભાઈ ડામોરની લાશનો કબજો લઈ પંચો રૂબરૂ લાશનું પંચનામુ કરી પોસ્ટમોર્ટમ માટે લાશને ગરબાડા સરકારી દવાખાને મોકલી આપી આ મામલે સી.આર.પી.સી 174 મુજબના અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

જ્યારે દાહોદ જિલ્લામાં આત્મહત્યાનો બીજો બનાવ લીમખેડા તાલુકાના વડેલા ગામે સવારના અગ્યાર વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં વડેલા ગામે ટાંકી ફળિયામાં રહેતી 34 વર્ષીય લીલાબેન કલ્યાણભાઈ ભુદરભાઈ પટેલે કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતે પોતાના ઘરના છેલ્લા રૂમમાં લાકડાના સરા સાથે સાડી બાંધી સાડી વડે ગળે ફાંસો ખાઈ જીવતર ટુંકાવી લીધું હતું. આ સબંધે વડેલા ગામના ટાંકી ફળિયામાં રહેતા કાળુભાઈ મથુરભાઈ પટેલે લીમખેડા પોલિસ સ્ટેશને લેખીત જાણ કરતાં લીમખેડા પોલિસે તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મરણજનાર લીલાબેન પટેલની લાશનો કબજો લઈ લાશને મોર્ટમોટમ માટે લીમખેડા સરકારી દવાખાને મોકલી આપી પોલિસે આ મામલે સી.આર.પી.સી 174 મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળો તૈયાર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.