દાહોદ, દાહોદ જીલ્લામાં જમીન પ્રકરણમાં પ્રીમીયમ ચોરી પ્રકરણમાં પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. ત્યારે આવનાર દિવસોમાં આ પ્રકરણમાં મોટા માથાંઓની સંડવોણી બહાર આવે તેમ છે. દાહોદ જીલ્લામાં નકલી સરકારી કચેરીથી લઈ અનેક મોટા કૌંભાંડો એકપછી એક બહાર આવી રહ્યાં છે. તમામ પ્રકરણમાં ક્યાંકને ક્યાંક થોડા સમયથી પોલીસની કાર્યવાહી ચાલ્યાં બાદ ત્યાર બાદ તમામ પ્રકરણો ઉપર પડદો મુકાઈ જતો હોય છે. ત્યારે જમીન પ્રીમીયમ પ્રકરણમાં પણ તપાસ આગળ ચાલશે કે પછી આ પ્રકરણમાં પણ પડદો મુકાઈ જશે ? તેવી અનેક ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે. દાહોદના બોગસ જમીન પ્રિમીયમ ચોરી પ્રકરણના બહુચર્ચિત કેસમાં બે આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. એક આરોપી પોલીસ રિમાન્ડ પર છે. તેવા સમયે અગાઉ ખુલેલા વધુ આરોપીઓ પૈકી બે આરોપીઓ પોલીસનાં સકંજામાં આવવાની તૈયારીમાં હોવાનું અત્યંત આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. તો બીજી તરફ વિદેશ ફરવા ગયેલા હોવાનુ કહેવાતા આ બે આરોપી પૈકી કુતબી રાવત બિલ્ડરના ત્યાંથી પોલીસે કરેલા સર્ચ ઓપરેશનમાં અનેક મહત્વના દસ્તાવેજો, અનેક શંકાસ્પદ કાગળો અને થયેલા વ્યવહારો અંગેની વિગતો મોટા પ્રમાણમાં પ્રાપ્ત થઈ હોવાનું પણ જાણમાં આવ્યું છે. ત્યારે આ બોગસ એને ઓર્ડરની તપાસ કયા છેડા સુધી પહોંચશે. તે જોવું રહ્યું તો બીજી તરફ પોલીસે નોંધાયેલી બે ફરિયાદોમાં લેવડદેવડ થયેલા ઇસમોને નોટિસો આપી તેમના નિવેદનો લેવાનું શરૂ કર્યું છે. આ કૌભાંડની જો ઝીણવટ ભરી તપાસ કરવામાં આવે તો તો કરોડોની સરકારી ફીની ઉચાપત થઈ હોવાનું બહાર આવશે અને કદાચ રાજ્ય વ્યાપી કૌભાંડનું રૂપ ધારણ કરે તો નવાઈ પામવા જેવું નહીં રહે. ત્યારે ભૂતકાળમાં થયેલા આવા વ્યવહારોની સરકારી ચોપડે નોંધ પાડનાર કેટલાક સરકારી અમલદારો પણ આરોપીના કઠેડામાં આવે છે. તે મહત્વપૂર્ણ બની રહેશે. પોલીસે તપાસનો ધમધમાટ કોઈપણ દબાણ વગર કરતા શહેરમાં એક પ્રકારનો છુપો ભય પણ વ્યાપી રહ્યો છે. કારણ કે જે લોકોએ આજ ટોળકી દ્વારા પોતાની જમીનોના ટાઇટલ ક્લિયર કરવાની કામગીરી કરાવી છે, તેઓએ પોતાની જમીનનું ટાઇટલ અસલી છે કે નકલી તે અંગે તપાસ કરવા ધમધમાટ કર્યો છે. જાણવા મળ્યા મુજબ કેટલાય આવા જમીન ધારકોએ આ ટોળકી સામે છેતરપિંડીની ફરિયાદ કરવા અંગેની તૈયારીઓ પણ આદરી લીધી હોવાનું જાણમાં આયુ છે. ત્યારે આ કૌભાંડ હવે કેવા વળાંકો લેશે. તે જોવું રહ્યું.