દાહોદ જીલ્લામાં હીટ એન્ડ રનની જુદી જુદી જગ્યાએ બનેલી બે ઘટનાઓમાં બે જણાના મોત નિપજ્યાનું તથા એક મહિલાને ઈજાઓ

દાહોદ, દાહોદ જીલ્લામાં હીટ એન્ડ રનની બનેલી બે ઘટનાઓ પૈકીની એક ઘટના લીમખેડાના પ્રતાપપુરા ગામે હાઈવે રોડ પર બનવા પામી હતી. જેમાં ગતરોજ બપોરના સાડા ત્રણ વાગ્યાના સુમારે એક ફોરવ્હીલ ગાડીનો ચાલક તેના કબજાની જીજે18 એ.એમ-3894 નંબરની ફોરવ્હીલ ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ જઈ પ્રતાપપુરા ગામે હાઈવે રોડ પર રોડક્રોસ કરી રહેલ દહીકોટ ગામના વૃધ્ધ દંપત્તીને અડફેટાં લઈ ટક્કર મારી રોડ પર પાડી દઈ નાસી જતાં વૃધ્ધ દંપત્તી પૈકી ગેમાભાઈ હીરાભાઈ રાવળને માથામાં તથા શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતુંં. જ્યારે મણીબેન ગેમાભાઈ રાવળને જમણા પગે સામાન્ય ઈજાઓ થઈ હતી. આ સંબંધે મરણજનાર ગેમાભાઈ રાવળના પુત્ર ભારતભાઈ ગેમાભાઈ રાવળે નોંધાવેલ ફરિયાદને આધારે લીમખેડા પોલીસે અજાણ્યા ફોર વ્હીલ ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે જીલ્લામાં હીટ એન્ડ રનનો બીજો બનાવ દેવગઢ બારીઆ તાલુકાના માંડવ ગામે નિશાળ ફળિયામાં દેવગઢ બારીઆથી છોટાઉદેપુર તરફ જતાં રોડ પર બનવા પામ્યો હતો. જેમાં એક ડંફર ડ્રાયવર તેના કબજાના જીજે-20 એક્સ-2636 નંબરની ડંફર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકરી લઈ આવી ફાંગીયા ગામના પુજારા ફળિયામાં રહેતા 32 વર્ષીય કનુભાઈ ગોપાલભાઈ રાઠવાની જીજે-20 બીઈ-8441 નંબરની મોટર સાયકલને ટક્કર મારી નાસી જતાં મોટર સાયકલ પરથી ફંગોળાઈને રોડ પર પટકાયેલા કનુભાઈ ગોપાલભાઈ રાઠવાને માથાના ભાગે, ગળાના ભાગે તેમજ શરીરે નાની મોટી ઈજાઓ થતાં તેને સારવાર માટે સૌ પ્રથમ દેવગઢ બારીઆ સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું. આ સંબંધે મરણ જનાર ફાંગીયા ગામના કનુભાઈ રાઠવાના મોટાભાઈ અરવીંદાઈ ગોપાલભાઈ રાઠવાએ નોંધાવેલી ફરિયાદને આધારે સાગટાળા પોલીસે ડંફર ગાડીના ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.