દાહોદ જિલ્લામાં ગતરોજ જુદી જુદી જગ્યાએ બનેલા ગમખ્વાર અકસ્માતના ત્રણ બનાવોમાં ત્રણ જણા કાળનો કોળીયો બન્યા

દાહોદ,દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાયે સમયથી ગમખ્વાર અકસ્માતનો ચાલી રહેલો સીલસીલો થમવાનું નામ લેતો નથી અને આ સીલસીલો કંઈ કેટલાયે નિર્દોષોના ભોગ લઈ ચુક્યો છે તેવા સમયે દાહોદ જિલ્લામાં બનેલા ગમખ્વાર અઇકસ્માતના ત્રણ બનાવો પૈકીનો એક બનાવ દાહોદ તાલુકાના ભીટોડી ગામે અમદાવાદ ઈંદોર હાઈવે રોડ પર મોડી રાતના એક વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં એક આઈસર ગાડીનો ચાલક તેના કબજાની જીજે-06 એક્સ-એક્સ-9273 નંબરની આઈસર ગાડી માલ ભરીને ઈન્દોર જઈ રહ્યો હતો. તે દરમ્યાન તેની આગળ ચાલતી અજાણી ટ્રક જેવી ગાડનો ચાલક તેની ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી અચાનક બ્રેક મારતા આઈસર ગાડીના ચાલકે આગળ ચાલતી ગાડી સાથે પાછળથી ધડાકાભેર અથડાવતાં આઈસર ગાડીના કંડકટર હરિશ્ર્વચંદ્ર ગીરવતસિંહ સીસોદીયાને શરીરે સાધારણ ઈજાઓ થવા પામી હતી. જ્યારે આઈસર ગાડીના ચાલક 56 વર્ષીય ગણપતસિંહ ચંદ્રસિંહ ગોહીલને શરીરે ગંભીર ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ સંબંધે આઈસર ગાડીના કંડકટર હરિશ્ર્વચંદ્ર ગીરવતસિંહ સિસોદીયાએ નોંધાવેલ ફરિયાદને આધારે કતવારા પોલીસે અજાણ્યા ટ્રક ડ્રાઈવર વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લામાં ગમખ્વાર અકસ્માતનો બીજો બનાવ ગરબાડા તાલુકાના જામ્બુઆ ગામે જામ્બુખેડી બસસ્ટેન્ડ પાસે રોડ પર બનવા પામ્યો હતો. જેમાં એક મોટર સાયકલ ચાલક તેના કબજાની જીજે-20 એમ-3345 નંબરની મોટર સાયકલ ગતરાતે નવેક વાગ્યાના સુમારે પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી સામેથી આવતી ગુલબાર ગામના 35 વર્ષીય ભરતભાઈ બાબુભાઈ મંડોડરી જીજે-20 એડી-8741 નંબરની મોટર સાયકલને જોશભેર ટક્કર મારી નાસી જતાં ભરતભાઈ બાબુભાઈ મંડોડ મોટર સાયકલ પરથી ફંગોળાઈ રોડ પર પટકાતાં તેને માથામાં તેમજ શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ સંબંધે મરણ જનાર ભરતભાઈ મંડોડરી વિધવા પત્ની 35 વર્ષીય મથુરીબેન ભરતભાઈ બાબુભાઈ મંડોડે નોંધાવેલી ફરિયાદને આધારે ગરબાડા પોલીસે અજાણ્યા મોટર સાયકલ ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે જિલ્લામાં ગમખ્વાર અકસ્માતનો ત્રીજો બનાવ દેવગઢ બારીઆ તાલુકાના જુના બારીયા ગામે સવારે આઠથી સાડા આઠ વાગ્યાના સુમારે બન્યો હતો. જેમાં એક અજાણ્યા વાહન ચાલક પોતાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી રોડ પર પગે ચાલતા જઈ રહેલા ખાંડણીયા ગામના વેડ ફળિયામાં રહેતા પરસોત્તમભાઈ બુધાભાઈ બારીયાના છોકરાને જોશભેર ટક્કર મારી નાસી જતાં તે છોકરાને ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડતાં જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ સંબંધે ખાંડણીયા ગામના વેડ ફળિયામાં રહેતા પુરસોત્તમભાઈ બુધાભાઈ બારીયાએ નોંધાવેલી ફરિયાદને આધારે દેવગઢ બારીયા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.