દાહોદ, દાહોદ જીલ્લામાં છેલ્લા બે, ત્રણ દિવસથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. ખેડુતોમાં આનંદની લાગણી સાથે ધરતીપુત્રો ખેતીકામમાં જોતરાઈ ગયાં છે. ત્યારે લીમખેડાનો ઉમરીયા ડેમ ઓવરફ્લો થયો હતો. જેને પગલે આસપાસના લોકોને સાવચેત રહેવા પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી.
લીમખેડા તાલુકામાં ગતરાત્રે ભારે વરસાદના પગલે સવારે 9 કલાકે ઉમરીયા ડેમ ભરાઈને 280 મીટરની જળ સપાટી વટાવીને 30 સેન્ટિમીટરની સપાટીએથી છલકાવા લાગતા તાલુકાના ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે. લીમખેડા તાલુકામાં છેલ્લા બે દિવસથી છૂટો છવાયો અને ધીમીધારે વરસાદ વરસી રહ્યો હતો. લીમખેડા નગરના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઉમરીયા ડેમમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો અને ડેમમાં 1176 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. જ્યારે ડેમ માંથી 905 કયુસેક પાણીની જાવક થઈ રહી છે. ગઈકાલે સાંજે 6 કલ્લાક થી આજે બુધવારે સવારના 6 વાગ્યા સુધીમાં ડેમ વિસ્તારમાં 24 કલાકમાં 24 એમએમ વરસાદ નોંધાયો હતો. આજે સવારમાં ઉમરીયા ડેમની જળ સપાટી 280 મીટર વટાવી 30 સેન્ટીમીટરે ઓવર ફ્લો થવા લાગ્યો હતો. લીમખેડા તાલુકાનો જીવાદોરી સમાન ગણાતા આ ઉમરીયા ડેમ ઓવરફ્લો થતાં તાલુકાના ધરતીપુત્રોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. જોકે, કાંઠા વિસ્તારના લોકોને નદી કિનારે નહીં જવા માટે સાવચેત કરવામાં આવ્યાં છે. દાહોદ શહેરની વાત કરીએ તો દાહોદ શહેરમાં પણ ધીમી ધારે વરસાદ ચાલુ છે. વાતાવારણમાં ઠંડક પ્રસરી જવા પામી છે, ત્યારે દાહોદ શહેરના જાહેર માર્ગો ધોવાઈ જતાં રસ્તા પર ખાડાઓ પડી ગયાં છે. આવા ખાડાવાળા રસ્તાઓ પરથી પસાર થતાં રાહદારીઓ અને વાહન ચાલકોને અવર જવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાડાવાળા રસ્તાઓમાં વરસાદી પાણી ભરાઈ જતાં ખાબોચીયાઓનું સામ્રાજ્ય સર્જાઈ જવા પામ્યું છે. ખાડાઓને પગલે વાહન ચાલકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે.