દાહોદ જિલ્લામાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં પરંતુ મતદારોનું અકળ મૌન રાજકીય પક્ષો તેમજ ઉમેદવારોને કણાની જેમ ખુચીં રહી છે

  • ચૂંટણી પ્રચાર દરમિયાન ભીડ ભેગી કરવામાં રાજકીય પક્ષો તેમજ ઉમેદવારો નિષ્ફળ જતા ફિલ્મી તેમજ ગાયક કલાકારોના સહારે ચૂંટણીની વેતરણી પાર કરવા માથામણ.
  • ઠંડીના ચમકારા વચ્ચે રાજકીય પક્ષોના કાર્યાલય પર કાગડા ઉડતા જોવા મળી રહ્યા છે.
  • મોટા રાજનેતાઓ રોકેટગતીએ ઉડાન ભરી ઠેર-ઠેર સભાઓ ગજવી મતદારો તેમજ કાર્યકર્તાઓમાં જોમ ભરવા ભર શિયાળે પરસેવો પાડતા રાજકીય નેતાઓ.
  • મતદારોના અકળ મૌન વચ્ચે ચૂંટણી સમીકરણો કઈ દિશામાં જશે તને લઈને રાજકીય પક્ષો ચિંતિત.

દાહોદ,

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર અઠવાડિયું બાકી રહ્યું છે. રાજકીય પાર્ટીઓના સ્ટાર પ્રચારકો તેમજ ઉમેદવારો દ્વારા ઠેર-ઠેર જનસભાઓ, ડોર ટુ ડોર પ્રચાર તેમજ ખાટલા મિટિંગો કરવા છતાં મતદારોનો અકળ મૌન સૌ કોઈને અકળાવી રહ્યું છે. ત્યારે દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ 6 વિધાનસભા બેઠકો પર આવી જ પરિસ્થતિ જોવા મળતા અગામી ચૂંટણીમાં મતદારોનો ઝોક કઈ દિશામાં જશે જેને લઈને દાહોદ જિલ્લાના રાજકીય સંગઠનને ચિંતિત કરી મૂક્યો છે. આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં દાહોદ, ગરબાડા, લીમખેડા, ઝાલોદ ફતેપુરા, દે. બારીયા બેઠક પર ભાજપ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપંખીયો જંગ ખેલાઈ રહ્યો છે. તો દાહોદ લીમખેડા, ગરબાડા જેવી બેઠકો પર અપક્ષો રાજકીય પાર્ટીઓના ખેલ બગાડતા આ બેઠકો ઉપર હાલ કેવા પ્રકારના સમીકરણો રચાઈ રહ્યા છે? તે કહેવુ અશક્ય છે. જોકે, આ તમામ બાબતોની વચ્ચે જનસભાઓ તેમજ મીટીંગોમાં પબ્લિક ભેગી ન થતા ઉમેદવારો તેમજ રાજકીય પક્ષોનો કળ વળી ગયો છે. દાહોદ જિલ્લાની દરેક બેઠક પર પ્રચારના પડઘમમાં માત્ર નેતાઓ જ સુરા દેખાય છે. જ્યારે કેટલાક નેતાઓને તો ભાડૂતી પ્રચારકોને સાથે લઈને ફરવાની ફરજ પડી રહી છે. જેના માટે થોડા રૂપિયા જમવા કે પેટ્રોલની કુપનો ના પણ વ્યવહાર થઈ રહ્યા છે. ઘણી બેઠકો પર તો બહારથી શ્રોતાઓને બોલાવવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. સ્થાનિક લોકો ક્યાંય સભામાં ભેગા થતા નથી.મતદારોનું અકળ મૌન તેમજ નિરસતા ઉમેદવારો તેમજ રાજકીય પક્ષોને કણાની જેમ ખૂંચીં રહી છે.જેના પગલે ભાજપ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ જોવા મળતો નથી. શિયાળાની જમાવટની વચ્ચે કાર્યાલય ઉપર કાગડા ઉડતા જોવા મળી રહ્યા છે.આવી પરિસ્થિતિમાં અંડર કરંટ તેમજ એન્ટી ઇન્કમન્સીની શક્યતાઓ વધારે હોય છે. એવી શક્યતાઓને ધ્યાને લઇ ઉમેદવારો દ્વારા મીટીંગો તેમજ જનસભામાં ભીડ ભેગી કરવા તેમજ ચૂંટણી રૂપી વેતરણી પાર કરવા ફિલ્મી અદાકારો તેમજ ગાયક કલાકારો પર મદાર રાખીને બેઠા છે. તાજેતરમાં જ લીમખેડા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર શૈલેષભાઈ ભાભોર દ્વારા તેમના મત વિસ્તારમાં ઠેર-ઠેર ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સુપ્રસિદ્ધ અદાકારા મમતા સોનીને પ્રચાર માટે ઉતારવાની ફરજ પડી છે.સાથે-સાથે આદિવાસી બાહુલ્ય ધરાવતા આ વિસ્તારમાં ટીમલી થી પ્રખ્યાત થયેલા ગાયક કલાકાર અર્જુન આર.મેડા તેમજ દિપાલી રાઠવા, સહિતના ગાયક કલાકારોને પણ બોલાવવાની ફરજ પડી રહી છે. આ જ પ્રકારે આવતી કાલે ફતેપુરા મતવિસ્તારમાં પણ ભાજપના ઉમેદવાર રમેશભાઈ કટારાની જનસભાઓમાં ભીડ ભેગી કરવા માટે મમતા સોની આવી રહી છે. આ તમામ પરિસ્થિતિની વચ્ચે ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં મતદારોને પોતાના પક્ષમાં કરવા તેમજ કાર્યકર્તાઓને જોમમાં લાવવા કોઈ કચાસ બાકી ન રહી જાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ દાહોદ જિલ્લામાં સભા સંબોધી ચૂક્યા છે,સાથે સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઝાલોદ અને ગરબાડા બે વિધાનસભા બેઠકો પર જનસભા ગજવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ દે.બારિયામાં બચુભાઈ ખાબડ માટે વોટ માંગવા આજે સભા ગજવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આદિવાસી બાહુબલી ધરાવતા દાહોદ જિલ્લામાં વડાપ્રધાન ગૃહ મંત્રી રાષ્ટ્રીય અધ્યક્ષ જેવા, મોટા કદના રાજનેતાઓ રોકેટ ગતીએ સભાઓ ગજવી રહ્યા છે. સાથે સાથે કાર્યકર્તાઓમાં જોમ ભરવા ભર શિયાળે પરસેવો પાડી રહ્યા છે. ત્યારે આવી પરિસ્થિતિમાં દાહોદ જિલ્લાની વિધાનસભા બેઠકો મતદારોના અકળ મૌન વચ્ચે ચૂંટણી સમીકરણો કઈ દિશામાં જશે. તેને લઈને રાજકીય પક્ષોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.