દાહોદ,
દાહોદ જિલ્લામાં વિધાનસભાની ચુંટણીઓ સંપન્ન થઈ ગઈ છે ત્યારે 10 ડિસેમ્બરે આચારસંહિતા ઉઠી જતા વહીવટની ગાડી પાટે ચઢશે. કર્મચારીઓની બઢતી બદલી જેવા કામો પણ હાથ પર લેવાશે ત્યારે વિવિધ અરજીઓનુ નિરાકરણની કામગીરી પણ શરૂ થઈ જશે.
દાહોદ જિલ્લામાં નાના મોટા છમકલાઓને બાદ કરતા ચુંટણી શાંતિપુર્ણ રીતે પુર્ણ થઈ જતા વહીવટી અને પોલીસ તંત્રએ હાશકારો અનુભવ્યો છે. ચુંટણી માટે નવેમ્બરના રોજ જાહેરનામુ બહાર પડતાની સાથે જ સમગ્ર રાજયમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી જતા નવા વિકાસ કામોની જાહેરાતો, કર્મચારીઓની બઢતી બદલી વગેરે જેવી કામગીરી અટકાવી દેવી પડી હતી. અધિકારીઓને પણ વિધાનસભાની ચુંટણીમાં વિવિધ પ્રકારની જવાબદારીઓ સુપરત કરવામાં આવી હતી. તેને કારણે અરજદારોની સુનાવણીઓ, જમીન મિલ્કતના તકરારી કેસો જેવી દિવાની કામગીરી પણ રોકાઈ ગઈ હતી. હવે તા.10 ડિસેમ્બરથી આચારસંહિતા ઉઠાવી લેવામાં આવતા આવી તમામ કામગીરી સુપેરે શરૂ થઈ જશે. સરકારી કચેરીઓમાં નો ઈલેકશન ફિવર પણ હવે દુર થતાં અધિકારીઓ અને કર્મચારીઓ વિવિધ ફાઈલો પરની ધુળ ખંખેરી કામગીરીમાં જોતરાવવાની શરૂઆત થઈ ગઈ છે.